ગુજરાત. હાલ ગુજરાતમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. ત્યારે અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. ગાઈડલાઈન્સ પ્રમાણે, 14 દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ 22મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ બે દિવસમાં પૂરો થશે. પરંતુ અમદાવાદમાં 31 લોકો પોઝિટિવ આવ્યા છે.




જેમના સંપર્કમાં આવેલા 650 લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકવામાં આવ્યા છે. જેથી તેમના 14 દિવસનો સમય પૂરો થતાં 20 એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના રહેશે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.



અગાઉ કોરોનાના કેસ નોંધાયા ત્યારે લોકોએ બજારોમાંથી માસ્ક ખાલી થાય ત્યાં સુધી ખરીદે રાખ્યાં હતાં. ત્યારે સરકારે એવું જાહેર કર્યું કે, સ્વસ્થ લોકો માસ્ક ન પહેરે, પરંતુ હવે સરકાર જ કહે છે કે, માસ્ક પહેરેલો રાખો. સરકારે માસ્ક મામલે હવે પંદર દિવસે યુ ટર્ન લીધો છે. અગાઉ બજારોમાં માસ્ક ખૂટી પડતાં લોકોને એવી સલાહ અપાઈ હતી કે, માસ્ક માત્ર કોરોના લાગુ પડ્યો હોય તેવા દર્દી અને તેમની સારવાર કરતાં તબીબી સ્ટાફ માટે જ જરૂરી છે.



કોરોનાના કારણે અમદાવાદમાં કુલ 31 પોઝિટિસ કેસ છે જેમાં 3ના મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી છે. જોકે હજુ ઘણાં લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હોવાથી અમદાવાદમાં માટે આગામી દિવસો મહત્વના રહેશે.