આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ વિગતવાર આંકડા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચેપ લાગવાથી ગ્રામિક વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મહત્વની વાત છે કે, અમદાવાદમાં સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં રોજેરોજ સૌથી વધુ કન્ફર્મ કેસ સામે આવી રહ્યા છે.
આજે પાટણમાં વધુ ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. સિદ્ધપુરમાં પ્રથમ પોઝિટિવ કોરોના વાયરસના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 21 વર્ષ , 48 વર્ષ અને 51 વર્ષની વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દી સિદ્ધપુરના નેદ્રા ગામના વતની છે. આ સાથે પાટણ જિલ્લામાં કુલ પાંચ પોઝિટિવ કેસ થયા છે. તમામ ઘારપુર આઇસોલેશન વોર્ડ માં સારવાર હેઠળ ખસેડાયા છે.
પાટણના ત્રણ કેસ ઉપરાંત આણંદ, ભાવનગર અને સાબરકાંઠામાં એક એક કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, આજે 19 કેસ નવા આવતાં આંકડો 165એ પહોંચ્યો છે. હિંમતનગર અને આણંદમાં પોઝિટિવ કેસ આવતાં વધુ બે જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. સાબરકાંઠા-આણંદ સાથે ગુજરાતના 16 જિલ્લામાં કોરોના પ્રવેશી ચૂક્યો છે.
ગઈ કાલે સવારે ગુજરાતમાં 16 કેસ નોંધાયા હતા. આ પછી ગઈ કાલે બપોર બાદ સુરતમાં વધુ બે નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 146 પર પહોંચી હતી. સુરતમાં અત્યાર સુધીમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુઆકં 12 છે.