અમદાવાદ : ગુજરાત સહિત દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે સોમવારે સાંજે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જતાં સમયે સોશિયલ ડિસ્ટનસ એટલે એકબીજાથી દૂર રહેવાનું સૂચન કર્યું હતું. આ અપીલનો અમલ અમદાવાદમાં શરૂ થઈ ગયો ચે જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.




અમદાવાદના વિવિધ વિસ્તારમાં દુકાનદારોએ દુકાનની બહાર ચોકથી ગોળ કુંડાળા બનાવવામાં આવ્યા છે. એક કુંડાળાથી બીજા કુંડાળા વચ્ચે પાંચ ફૂટ જેટલું અંતર રાખવામાં આવ્યું છે. દુકાનદારે કુંડાળા બનાવી વસ્તુ લેવા ઉભા રહેવા જણાવ્યું છે. દવા, કરીયાણું અને દૂધની દુકાનો બહાર આવા કુંડાળા જોવા મળી રહ્યા છે. અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે.



ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે જનતા કર્ફ્યુ અને લોકડાઉન સહિતના પગલાં લેવામાં આવી રહ્યાં છે અને લોકોને પણ આ બાબતની ગંભીરતા સમજાવાઇ રહી છે. ઉપર દર્શાવવામાં આવેલી તસવીર વિજય નહેરાએ ટ્વીટ કરી છે.



અમદાવાદમાં અનેક જગ્યઓ પોલીસના ડરથી બંધ રહે છે પરંતુ ખરીદી દરમિયાન વિવિધ જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની બાબતમાં બેદરકાર રહે છે. આજે સવારથી જ અમદાવાદમાં અમૂલના પાર્લરો પર પણ લાંબી લાંઈનો જોવા મળી હતી. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું.


મહત્વનું છે કે, પીએમઓએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાને સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકતાં મીડિયાને તેના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા, રાજ્યોના લોકડાઉનના નિર્ણય અંગે લોકોને માહિતગાર કરવા તેમજ અન્ય દેશોના કેસ સ્ટડી અને આંતરરાષ્ટ્રીય આંકડાઓની રજૂઆત મારફત વાઈરસના પ્રસારની ગંભીરતાથી માહિતગાર કરવા જણાવ્યું હતું.