અમદાવાદઃ રવિવારે ‘જનતા કર્ફ્યુ’ દરમિયાન અનેક નાગરિકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હતી. જ્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરે વાતચીત કરી હતી અને લોકડાઉનની તૈયારીઓને લઈને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં સવારે 10 વાગ્યાથી સંપૂર્ણ બંધ હોવાથી લોકોને બહાર ન નીકળવા અને નીકળશે તો વાહનો ડિટેઈન કરવાની ચીમકી આપી હતી.



કોરોના વાઈરસના કહેર સંદર્ભે અમદાવાદ પોલીસ કમિશનર આશીષ ભાટીયાએ પત્રકાર પરીષદ યોજીને અમદાવાદના સંપૂર્ણ બંધની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, 4થી વધુ લોકો ભેગા થશે તો ગુનો નોંધવામાં આવશે. ખાડીયામાં ગુનો નોંધવામાં આવ્યો છે. સંપૂર્ણ બંધ છે ત્યારે બને ત્યાં સુધી ન નીકળે. પરંતુ ખુબ જ અગત્યનું કોઈ કામ હોય તો જ બહાર નીકળે. ટેક્સી, મેક્સી જેવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે.



ઓલા-ઉબરની ટેક્સી સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે રીક્ષાઓ પણ રોડ પર ચાલશે નહીં. જો કોઈ વાહન દેખાશે તો વાહન જપ્ત કરી લેવામાં આવશે. લોકો બિનજરૂરી કારણસર ઘરની બહાર ન નીકળે. માલવાહક અને ખાનગી વાહન કામથી બહાર લઈને નીકળી શકશે. કોમર્શિયલ વાહન પર પ્રતિબંધ છે.



ભાટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, 10 વાગ્યાથી પોલીસની સંપૂર્ણ બંધની સ્કીમ મૂકી છે. ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી છે. ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી છે. વિદેશથી જે આવ્યા છે તેઓએ 14 દિવસ ઘરમાં જ રહે. ક્વોરેન્ટાઈન રહે નહીં તો ગુનો નોંધવામાં આવશે. 3 ગુના નોંધાઈ ચુક્યા છે. કોરોના વાયરસ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી સંપૂર્ણ બંધ રહેશે માટે તેવી તૈયારીઓ રાખવી. વધુ સ્થિતિ બગડે તો સંપૂર્ણ લોકડાઉનની તૈયારી રાખવી પડશે.