અમદાવાદમાં કોરોનાના વધુ 291 કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓનો આંક 4716 પર પહોંચ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 May 2020 09:55 PM (IST)
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 291 નવા કેસ નોંધાયા છે અને 25નાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 4716 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ફાઈલ ફોટો
અમદાવાદ: શહેરના કોરોના બેકાબૂ બન્યો છે. કોરોના સંક્રમિત કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે વધુ 291 નવા કેસ નોંધાયા છે અને 25નાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 4716 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 298 દર્દીના મોત નીપજ્યાં છે. આ ઉપરાંત આજે 74 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે કુલ 778 દર્દીઓ સાજા થયા છે. શહેરમાં કોરોનાને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને લોકડાઉનનો અત્યંત કડક રીતે અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે અમદાવાદમાં 15 મે સુધી દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ જાહેરાતનો અમલ આજ રાત્રે બાર વાગ્યાથી તેનો અમલ શરૂ થઈ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા કમિશનર મુકેશ કુમારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ શાકભાજીની દુકાનો પણ બંધ કરી દેવાશે. અમદાવાદમાં શાકભાજીના ફેરિયા કોરોનાના સુપર સ્પ્રેડર હોવાથી તેમની લારીઓ તથા દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે રેડઝોનમાં આવતી તમામ બેંકની શાખાઓ પણ 15 મે સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે. પ્રત્યેક ઝોનમાં 2000 જેટલા સુપર સ્પ્રેડર હોવાની શક્યતા છે ત્યારે તમામની ચકાસણી 13 તારીખ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવારનો એક નિર્ણય લેવામા આવ્યો છે. અમદાવાદમાં હવે વધુ 9 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાશે.આ નિર્ણય બાદ અમદાવાદ મહાનગરપાલિકાને વધુ 1000 બેડની સુવિધા મળશે. ખાનગી હોસ્પિટલ ઉપરાંત શહેરમાં થ્રી સ્ટાર હોટલના 500 બેડનો પણ કોવિડ કેર સેન્ટર માટે ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદના ક્યા ઝોનમાં કેટલા નોંધાયા છે કોરોનાના કેસ? જુઓ વીડિયો