અમદાવાદઃ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર જયપ્રકાશ ચૌહાણની ઓફિસમાં ઘૂસીને ફેંટ પકડીને મારનારા અને મારી નાંખવાની ધમકી આપનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. મેઘાણીનગર પોલીસ આરોપીની બહેનની ગૃહકલેશ અરજીની તપાસ કરી રહી છે. આ કેસમાં પોતાની ઈચ્છા પ્રમાણેની કાર્યવાહી ના થતાં આરોપી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને ‘તમે પોલીસવાળા મારી બહેનને કેમ સાસરે મોકલતા નથી ’ એવો સવાલ કરીને અપશબ્દો બોલ્યો હતો. એ પછી તેણે સીનિયર પીઆઇને ફેંટ પકડી માર મારીને ધમકી આપી હતી. યુવકે પીઆઇ જય પ્રકાશ ચૌહાણની છાતીમાં મુક્કા માર્યા હતા અને ધમકી આપી હતી કે, હું તમે જીવતા નહી છોડું, બહાર નિકળો તમારા ખેલ ખતમ કરી નાખીશ.
આ કેસની વિગત એવી છે કે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ લક્ષ્મણભાઇ ચૌહાણ (ઉ.વ.44)એ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નવા નરોડા વિસ્તારમાં આગમન રેસિડેન્સી ખાતે રહેતા રાહુલભાઇ કેશવલાલ ચન્દ્રાકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, સીનિયર પીઆઇ ગઇકાલે બપોરે બે વાગે ઓફિસમાં હાજર હતા ત્યારે આરોપી આવ્યો હતો. તેણે મેઘાણીનગર વિસ્તારમાં રહેતી પોતાની સગી બહેન સાસરી જતી નથી એ અંગે તકરારની અરજી આપેલી હતી. પોલીસે આ કેસમાં તપાસ કરીને અરજી દફતરે કરી હતી.
આ અંગે આરોપીએ આવીને ફરિયાદીને પીઆઇને સામે આક્ષેપો કર્યા હતા અને ગાળો બોલવા લાગ્યો હતો. પોલીસે તેને ગાળો બોલાવની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇને પીઆઇને ઓફિસમાં ઘૂસીને છાતીમાં મુક્કો મારીને ધમકી આપી હતી, આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટના આદેશથી આરોપીને જેલ હવાલે કર્યો હોવાનું મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એલ.ચૌહાણે જણાવ્યું હતું.