અમદાવાદઃ શહેરામાં મનરેગાના કોન્ટ્રાક્ટરને બાકી નિકળતાં નાણાં માટે ચેક આપવા બદલ લાંચની માગણી કરનારાં તાલુકા વિકાસ અધિકારી ઝરીના અંસારીના માણસને એસીબીએ ઝડપી લીધો છે. તેની સાથે બીજા બે કર્મચારી પણ ઝડપાયા છે.


આ કોન્ટ્રાક્ટરને મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ મટીરિયલ પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી રૂપિયા 2.75 કરોડ  તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા 1.71 કરોડના બિલના ચેક મંજુર થયા હતા. આ ચેક પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા ટીડીઓ ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી.


હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂા. 2,45,000ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ એસીબીમાં ફરિયાદ કરી હતી. તેને આધારે બુધવારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં. તથા ટીડીઓ વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં લાંચની રકમ લીધી ન હતી.


આરોપી હેમત પ્રજાપતિ અને કીર્તીપાલ સોલકી લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા હતા. ટીડીઓ ઝરીના અન્સારી વતી લાંચ લેવા આવેલા આરોપી રીયાઝ મનસુરીને પણ ઝડપી લીધો હતો. શહેરા ટીડીઓ ઝરીનાબેન વચેટીયા મારફતે લાંચની માંગણી કરતાં અમદાવાદ એસીબીના પોસઇ કે.કે.ડીંડોડ તથા સ્ટાફે ટીડીઓને પકડી લીધા હતા. પકડાયેલા ચારે લાંચિયા અધિકારીને ગોધરા એસીબી મથકે લાવી કાર્યવાહી કરી હતી.


એન્ટિ કરપ્શન બ્યૂરોએ જે કર્મચારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા તેમાં હેમંત મફતભાઇ પ્રજાપતિ, હિસાબી સહાયક(કરાર આધારીત, તાલુકા પંચાયત કચેરી,શહેરા, પંચમહાલ મનરેગા વિભાગ ), કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી (W.D.T એગ્રો, કરાર આધારીત તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ) અને રીયાઝ રફીકભાઇ મનસુરી, અધિક મદદનીશ ઇજનેર (કરાર આધારિત, તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ)નો સમાવેશ થાય છે.