અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતથી કોરોના કાબુમા આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાતમાં એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યના બે જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ બે જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થાય તેવી શક્યતાઓ છે.

આ અંગેની વિગતો જોઇએ તો તાપી જિલ્લામાં કોરોનાના 9 એક્ટિવ કેસો છે, જ્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના 5 એક્ટિવ કેસો છે. ત્યારે આ બે જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરમાં 14 અને વલસાડમાં 32 એક્ટિવ કેસો છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 50થી વધુ એક્ટિવ કેસો છે.

ગઈ કાલે રાજ્યમાં 1126 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,267 એક્ટિવ કેસ છે, જ્યારે 1,43,927 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,191 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,61,848 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 8 લોકોનાં મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 167, અમદાવાદ કોર્પોરેશનમાં 164, રાજકોટ કોર્પોરેશનમાં 72, વડોદરા કોર્પોરેશનમાં 71, સુરતમાં 64, જામનગર કોર્પોરેશનમાં 46, મહેસાણામાં 46, વડોદરામાં 42, નર્મદા 33, રાજકોટમાં 32, સુરેન્દ્રનગર 30, સાબરકાંઠા 28, બનાસકાંઠા 26, જામનગર 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 23, અમરેલીમાં 20 કેસ નોંધાયા હતા.

કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં કુલ 1128 દર્દી સાજા થયા હતા અને 52,915 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 54,79,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.93 ટકા છે.