Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે ગ‌ઈકાલે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવામાં માટેની તમામ વ્યવસ્થા રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. 

ભાવનગરના બે મૃતક પ્રવાસી અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી બાય રોડ ભાવનગર લાવવામાં આવશે. આ સાથે બાકીના પ્રવાસીઓને પણ હવાઈ માર્ગે મુંબઈ અને ત્યાંથી બાય રોડ વાહન દ્વારા ભાવનગર સુધી પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. સુરતના એક મૃતક પ્રવાસી સાથે તેમના અન્ય છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી સુરત હવાઈ માર્ગ દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે ગ‌ઇકાલે તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ અંદાજીત બપોરના ૩.૦૦ કલાકે આતંકવાદી હુમલાની ઘટના બની હતી. આ સ્થળે ગુજરાતના અંદાજીત ૨૫ જેટલા પ્રવાસીઓ ફરવા માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે. જે અન્વયે અત્રેથી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી જમ્મુ કશ્મીર, SEOC, હોસ્પિટલ તથા લોકલ પોલીસનો ટેલીફોનીક સંપર્ક કરી ઘટનાની તાત્કાલીક માહિતી મેળવી હતી. આ બાબતે મુસાફરના સંબંધી  હર્ષદ નાથાણી જેઓ સ્થળ પર હાજર હતા તેઓ સાથે ટેલીફોનીક વાતચીત કરી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવી આ બાબતની વાતચીત અનંતનાગ પોલીસ સ્ટેશન સાથે કરી તપાસ કરવામાં આવેલ. જે અંતર્ગત SEOC જમ્મુ કાશ્મીર દ્વારા ત્યાં હાજર અને ગુમ થયેલ વ્યકિતઓની માહિતી અત્રે  SEOCને આપવામાં આવી હતી. 

આ હુમલામાં ગુજરાતના ૦૩ વ્યકિતઓ ભોગ બન્યા છે અને ૦૧ વ્યકિત ઇજાગ્રસ્ત થયા છે. આમ, ત્યાં હાજર હર્ષદ નાથાણી સાથે વાતચીત કરતા બાકીના ૧૭ પ્રવાસીઓ શ્રીનગરની સનરાઇઝ ડીલાઇટ હોટલમાં સલામત સ્થળે હોવાનું જણાવ્યુ છે. તેઓ સાથે થયેલ વાતચીત અનુસાર જમ્મુ કાશ્મીર સ્થાનિક તંત્ર દ્વારા તેઓને આજરોજ બપોરના ૩.૦૦ કલાકે મુંબઇ ખાતે ફલાઇટમાં મોકલવામાં આવનાર છે. ગુજરાતના પ્રવાસીઓને મુંબઇથી ગુજરાત ખાતે લાવવા રાજય સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઘટના સંદર્ભે આનુસાંગિક કામગીરી જમ્મુ કાશ્મીર સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. 

આ સિવાયના અન્ય ગુજરાતી પ્રવાસીઓને મદદરૂપ થવા માટે ગુજરાત વહીવટી તંત્ર કાશ્મીર વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે. મૃતક પ્રવાસીઓમાં સુરતના શૈલેષ હિમતભાઈ કળથીયા અને ભાવનગરના યતીશ સુધીરભાઈ પરમાર તેમજ સ્મિત યતીશભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્ત પ્રવાસીઓમાં ડાભી વિનોદભાઈ  જેઓ GMC, અનંતનાગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ હાલ સામાન્ય છે.