અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે ગુજરાતમાં ત્રીપાખીયો જંગ જામશે. આમ આદમી પાર્ટીએ મીશન 2022 માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે આ મિશનના ભાગ રૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. 1 લી મેના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. તેઓ સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે તેવી શક્યતા છે. તો બીજી તરફ 1 લી મેના રોજ ગુજરાતનો છે સ્થાપના દિવસ પણ છે. અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે.
હાર્દિક પટેલનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર?
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઈને સતત સવાલો ઉઠાવી રહેલા હાર્દિક પટેલ દિલ્હીમાં રહેલા ભાજપના ટોચના નેતાના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે, હાર્દિક હવે હાથનો સાથ છોડી શકે છે. આ પહેલા સીઆર પાટીલે પણ કહ્યું હતું કે, હાર્દિક સહિત ઘણા કોંગ્રેસી નેતા ભાજપની કાર્યપદ્ધતિથી પ્રભાવિત છે. જો કે હાર્દિક હાલમાં કયા ભાજપના નેતાના સંપર્કમાં છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
તો બીજી તરફ આજે તાપીના સોનગઢ ખાતે કોંગ્રેસનું યુવા સ્વાભિમાન સંમેલન યોજાયું છે. બેરોજગારી અને ગુજરાતના યુવાનોનોના વિવિધ મુદ્દે યોજાશે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાયું છે. સોનગઢ નગરમાં યુથ કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવશે બાદમાં દશેરા કોલોની ખાતે સંમેલન યોજાશે. આ સંમેલનમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.બી.શ્રી નિવાસજી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર છે. કોંગ્રેસ પક્ષ વચ્ચે ચાલતી નારાજગી વચ્ચે હાર્દિક પટેલ કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી છે. તાપી જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો હાજર છે. જો કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નથી.
મોંઘવારીને લઇને કોગ્રેસ ફરી આક્રમક
ગાંધીનગરઃ મોંઘવારીને લઈ કૉંગ્રેસ ફરી આક્રમક થઇ છે. આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે. લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરૂ કર્યા છે. જેના અનુસંધાનમાં આજે ધરણા કાર્યક્રમ યોજાશે.