અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને લઈને સતત સવાલો ઉઠાવી રહેલા હાર્દિક પટેલ દિલ્હીમાં રહેલા ભાજપના ટોચના નેતાના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે, હાર્દિક હવે હાથનો સાથ છોડી શકે છે. આ પહેલા સીઆર પાટીલે પણ કહ્યું હતું કે, હાર્દિક સહિત ઘણા કોંગ્રેસી નેતા ભાજપની કાર્યપદ્ધતિથી પ્રભાવિત છે. જો કે હાર્દિક હાલમાં કયા ભાજપના નેતાના સંપર્કમાં છે તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.


તો બીજી તરફ આજે તાપીના સોનગઢ ખાતે કોંગ્રેસનું યુવા સ્વાભિમાન સંમેલન યોજાયું છે.  બેરોજગારી અને ગુજરાતના યુવાનોનોના વિવિધ મુદ્દે યોજાશે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાયું છે. સોનગઢ નગરમાં યુથ કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવશે બાદમાં દશેરા કોલોની ખાતે સંમેલન યોજાશે. આ સંમેલનમાં કોંગ્રેસના યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.બી.શ્રી નિવાસજી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ હાજર છે. કોંગ્રેસ પક્ષ વચ્ચે ચાલતી નારાજગી વચ્ચે હાર્દિક પટેલ કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી છે. તાપી જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના કાર્યકરો હાજર છે. જો કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નથી.


મોંઘવારીને લઇને કોગ્રેસ ફરી આક્રમક, આજે રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે


ગાંધીનગરઃ મોંઘવારીને લઈ કૉંગ્રેસ ફરી આક્રમક થઇ છે. આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે. લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરૂ કર્યા છે. જેના અનુસંધાનમાં આજે ધરણા કાર્યક્રમ યોજાશે.


વધતી મોંઘવારીના વિરોધમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન યોજાશે. તો અમદાવાદ શહેરમાં આજથી મોંઘવારી વિરોધી પદયાત્રા શરૂ થશે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં દરરોજ બેથી 3 વોર્ડમાં પદયાત્રા યોજાશે.જે 3 કિલોમીટરની હશે.આજે ચાંદખેડા વોર્ડથી આ યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરાવશે. જેમા ધારાસભ્યો, કોર્પોરેટર, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.


વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને લાગશે મોટો ઝટકો, આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. મળતી જાણકારી અનુસાર , ખેડબ્રહ્માના કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અશ્વિન કોટવાલ આગામી સમયમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપશે. રાજીનામું આપ્યા બાદ અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. મે મહિનાના પહેલા સપ્તાહમાં અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. બીજી તરફ  પહેલી મેના રોજ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.