અમદાવાદઃ ગુજરાતની નવ-નવ વિદ્યાર્થીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેમની સાથે શારીરિક સંબધો બાંધીને ભગાડી જતો વડોદરાનો ‘સેક્સ મેનિયાક’ ધવલ ત્રિવેદી અંતે ઝડપાઈ ગયો છે. સગીરાઓના યૌન શોષણના આરોપી લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની આંતરરાજ્ય સેલે હિમાચલ પ્રદેશમાંથી ધરપકડ કરી છે. ત્રિવેદી પર રૂપિયા પાંચ લાખનું ઈનામ હતું.

ધવલ ત્રિવેદી બે વર્ષ પહેલા ચોટીલાની સગીરાને લઈને ભાગી ગયો હતો. 2018ના ઓગસ્ટમાં ધવલ ભાગ્યો પછી આ કેસમાં તેનાં માતા-પિતાએ હાઈકોર્ટમાં ધા નાંખી હતી. હાઈકોર્ટે સગીરાના પિતાની હેબિયસ કોર્પસ અરજીને આધારે આ કેસ ગુજરાત પોલીસ પાસેથી લઈને સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. સીબીઆઈ તપાસમાં મૂળ વડોદરાના ધવલ ત્રિવેદીએ અત્યાર સુધીમાં સુરત, આણંદ અને રાજકોટમાં 9 જેટલી વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવીને જિંદગી બરબાદ કરી નાખ્યાની વિગત બહાર આવી હતી.

ચોટીલાની યુવતી ગયા વર્ષના જૂનમાં તેના માતાપિતાના ઘરે પરત આવી હતી. ચોટીલા પોલીસ અને સીબીઆઈએ યુવતીની પૂછપરછ કરતાં ધવલ ત્રિવેદીના વરવા ચહેરાની વિગતો બહાર આવી હતી.

ધવલ ત્રિવેદીને 2017માં પડધરીમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને બળાત્કાર ગુજારવાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી પેરોલ પર જેલ બહાર આવ્યો અને ચોટીલા ટ્યૂશન ક્લાસીસમાં જોડાયો હતો. ચોટીલામાં એક વેપારીની 18 વર્ષીય દીકરીને મોહજાળમાં ફસાવીને 11 ઓગસ્ટે ધવલ હરિચંદ્ર ત્રિવેદી નાસી છૂટ્યો હતો.

હાઈકોર્ટે ત્રિવેદીને મેનિયાક ગણાવી સીબીઆઈને આદેશ કર્યો હતો કે, ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો. જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવે આ આદેશ આપ્યો હતો.