અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 852 કરોડનું બજેટ છતા ચાલુ વર્ષે ચોમાસામા શહેરમાં 147 સ્થળ પર પાણી ભરાશે. ગત વર્ષ કરતાં આવાં 20 સ્થળમાં વધારો થયો છે. વરસાદી પાણી ન ભરાય તે માટે હાલ અમદાવાદ મનપા 652.66 કરોડનાં કામ કરી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 68443 કેચપીટની સફાઈ કરી છે, જ્યારે બીજા રાઉન્ડમાં 10 જૂન સુધીમાં તમામ કેચપીટની સફાઈ થઈ જશે.
ઉપરાંત શહેરમાં ચાલતાં 3 મહત્ત્વના પ્રોજેક્ટ વેસ્ટર્ન ટ્રંકલાઇન, ઇન્સ્ટર્ન ટ્રંકલાઇન અને ચંદ્રભાગાની કામગીરી ઝડપથી પૂરી કરાશે. ગોધાવી અને ખારીકટ કેનાલને પણ ઝડપથી કામગીરી કરાશે. શહેરમાં વરસાદમાં એક કલાકથી વધુ સમય સુધી પાણી ભરાઈ રહે તેવા કુલ 147 જેટલા વોટર લોગિંગ સ્પોટ શોધવામાં આવ્યા છે.
કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓએ અને મેયરે આ સ્પોટ ઉપર ખૂબ ઝડપી પાણીનો નિકાલ થાય અને ઓછું પાણી ભરાશે તેવા દાવા કર્યા છે. મનપાના અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે સોમવારે પ્રિ-મોન્સુનની કામગીરીને લઈ બેઠક યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે આ માહિતી આપી હતી.
ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં અમદાવાદના માર્ગો પર આડેધડ ખોદકામ કરી દેવાયું છે. અમદાવાદના ઘાટલોડિયાથી પ્રાભાત ચોક તરફના રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું છે. ગટરની લાઈનમાં લીકેજ બાદ સમારકામની કામગીરી તો કરવામાં આવી પરંતુ બાદમાં રસ્તાનું યોગ્ય રીતે પુરાણ નથી કરાયું, ચોમાસાને આડે હવે 15 દિવસનો સમય પણ બાકી નથી ત્યારે રસ્તા પર આડેધડ ખોદકામને કારણે ચોમાસા દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે.
શહેરમાં 147 સ્થળોએ વરસાદના પાણી ભરાશે. વર્ષ 2025 નો પ્રિમોન્સુન એકશન પ્લાન 890 કરોડનો ખર્ચ કરાશે. ડ્રેનેજ પ્રોજેકટના કામ માટે 708 કરોડ ખર્ચાશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 3 કરોડનો ખર્ચ. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2 કરોડ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 9 કરોડનો ખર્ચ કરાશે. પૂર્વઝોનમાં એએમસી વરસાદની કામગીરી માટે 41 કરોડ ખર્ચ કરશે.