અમદાવાદ: ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ યજમાન રામ પ્રતાપ ઉર્ફે જુંગી ભાઈના ઘરે ગયા હતા ત્યાં બાબા માટે ફળાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાથી તેઓ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને બાબા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બાબાના આગમનને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


અમદાવાદમાં આગામી 29 અને 30 એ બે દિવસ દિવ્ય દરબાર યોજોવાનો છે. જેને લઈને  તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના ચાણકયપુરીમાં દિવ્ય દરબારનું આયોજન થવાનું છે. આયોજકોએ આ દિવ્ય દરબારમાં એન્ટ્રી માટે પાસ રાખવાનું આયોજન કર્યું છે. અમદાવાદનો દિવ્ય દરબાર નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે આયોજક ને બાબાએ ગદા આપી છે. સમિતિના લોકો પોલીસ વચ્ચે બેઠક થયા બાદ કેટલા પાસ આપવાના તે નક્કી કરવામાં આવશે.


બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બનાવવામાં આવ્યો જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે. 130×130 ફૂટ પહોળાઈ ધરાવતો સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આઠ ફૂટ ઊંચાઈ ધરાવતો સ્ટેજ તૈયાર છે. અહીં સાધુ સંતોની સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી બિરાજશે. દૂરથી પણ ભક્તો દર્શન કરી શકે તે રીતે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.


ચાર મહાનગરમાં યોજાશે બાબાનો દરબાર


આજથી બે દિવસ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બે દિવસ દરમિયાન બાબાના કાર્યક્રમમાં સુરત તથા આસપાસના જિલ્લા અને રાજ્યમાંથી અઢી લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે. તો 28 મેના ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. ઝુંડાલમાં યોજાનારા બાબાના કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે.


જ્યારે 29 અને 30 મેના બાબાનો દરબાર અમદાવાદમાં યોજાશે. અમદાવાદના ચાણક્યપુરી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાશે. અહીં પણ દૈનિક લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે. તો અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરી બાબા સીધા જ રાજકોટ પહોંચશે. 1 જૂનથી બે દિવસ રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબાનો દરબાર ભરાશે. દિવ્ય દરબાર પહેલા 29મી તારીખે રાજકોટના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. તો 3 જૂનના વડોદરામાં બાબાનો એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાંજે 5થી 9 વાગ્યે નવલખી મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે.