અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ વિપક્ષ નેતાના પદે પરથી રાજીનામું આપી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા દિનેશ શર્માને બદલવાની માંગ ઉઠી હતી.


દિનેશ શર્માએ કહ્યું, કોર્પોરેશનની ચૂંટણી નજીક છે હુ લોકો વચ્ચે રહીને કામ કરવા માંગુ છું, મારા વિસ્તારના લોકોના કામ કરી શકુ તેના કારણે રાજીનામું આપ્યું છે. પદ પર રહીને વધારે સમય ન આપી શકીએ. બે ધારાસભ્યો માંગ કરતા હતા શું તેના કારણે રાજીનામું આપ્યું તેના જવાબમાં દિનેશ શર્માએ કહ્યું એ તો ચાર વર્ષથી માંગ કરતા હતા. મે અત્યારે પાર્ટીના હિત માટે રાજીનામું આપ્યું છે.

કૉંગ્રેસમાં આંતરિક વિવાદના કારણે દિનેશ શર્માએ AMC નેતા વિપક્ષ તરીકે રાજીનામું આપ્યું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવાની માંગ બાપુનગરના ધારાસભ્ય હિંમત સિંહ પટેલે કરી હતી સાથે જ દિનેશ શર્માના વિરોધમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, આગામી સમયમાં ગુજરાતની આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાકી છે ત્યારે કૉંગ્રેસનો આ વિવાદ ભાજપને ફાયદો પહોંચાડી શકે છે.