અમદાવાદઃ કોરોના મહામારીને પગલે આ વર્ષે ગુજરાતમાં ગરબા રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે અમદાવાદની એક સ્કૂલના શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા અને શિક્ષકો ગરબે રમતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


આ અંગેની વિગતો એવી છે કે, ઇસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકોનો ગરબા રમતો હોય તેવો વીડયો ફેસબૂક પર વાયરલ થયો છે. જાહેર કે ખાનગી સ્થળે ગરબાની પરવાનગી ન હોવા છતાં ગરબા રમવાનો વીડિયો વાયરલ થયો છે. માતાજીની આરતી બાદ શાળા પરિસરમાં શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા.

નવરાત્રી નિમિતે અમદાવાદ શહેર પોલીસે નિવેદન આપ્યું છે. અમદાવાદ શહેર પોલીસના સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગરબા રમવા માટેની કોઈ જ મંજૂરી નથી. માત્ર પૂજા અને આરતી માટેની મંજૂરી છે. અમદાવાદીઓ પોલીસ અને તંત્રને સાથ સહકાર આપે. અત્યાર સુધીમાં 1775 અરજીઓ આવી છે.