અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલની કોરોનાકાળમાં દાદાગીરી સામે આવી છે. પહેલાં તો RTE હેઠળ પ્રવેશ મેળવનારા 28 વિદ્યાર્થીઓને ઓનલાઈન ગ્રૂપમાંથી હટાવી એકાએક ભણતર કરી બંધ કરી દીધું. બાદમાં જ્યારે વાલીઓએ શિક્ષણાધિકારીને રજૂઆત કરી તો RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે અલગથી ગ્રુપ બનાવ્યું છે.
મતલબ કે, ગરીબ વિદ્યાર્થીઓને અલગ તારવી શાળાએ શિક્ષણ આપવાનું શરૂ કર્યું અને તેમાં પણ ભેદભાવ કર્યો છે. વાલીઓના મતે આમ તો, 1 કલાકનો પીરિયડ હોય છે. પણ RTEના વિદ્યાર્થીઓને ફક્ત 10-15 મિનિટ ઉપરછલ્લું શિક્ષણ આપ્યું છે. વાલીઓની છે માગ કે RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ જ એક જ ગ્રૂપમાં યોગ્ય રીતે શિક્ષણ આપવામાં આવે.
વર્ષ ચાલુ થયું ત્યારે જ સ્કૂલ દ્વારા RTE હેઠળના એડમિશન વિના કોઈ કારણે રદ કરવામાં આવ્યા છે. ગત વર્ષે એડમિશન લીધું ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન અંગેની કોઈ રિસિપ્ટ આપવામાં આવી ન હતી. માત્ર સ્કૂલના વોટસએપ ગ્રુપમાં જ એડ કરવામાં આવ્યા હતા. આ મામલે એક વાલીએ જણાવ્યું કે તેમની દીકરીનું ગયા વર્ષે RTE હેઠળ સ્કૂલમાં એડમિશન થયું હતું જે માટે અમે રિસિપ્ટ માંગી હતી પરંતુ આપી ન હતી. ગયા વર્ષે શૈક્ષણિક કાર્ય ચાલુ થયું ત્યારથી અમને રેગ્યુલર ઓનલાઇન ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 2 દિવસ અગાઉ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થયું પરંતુ અમને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેમાં અધિકારીઓને સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સંચાલક સાથે મળીને સત્ય જાણી રિપોર્ટ કરવા DEOએ આદેશ કર્યા છે. DEO આર.સી. પટેલે કહ્યું કે અમને સ્કૂલ સામે ફરિયાદ મળી છે અમારી ટીમને તપાસ માટે મોકલી છે. જો ભૂલ જણાશે તો દંડનીય કાર્યવાહી સ્કૂલ સામે કરીશું. ઓનલાઈન અભ્યાસથી RTEના વંચિત રહેલા વિદ્યાર્થીઓ દીઠ 10 હજાર રૂપિયાનો નાણાંકીય દંડ સ્કૂલ સામે થઈ શકે છે. તેમજ RTE કાયદા અંતર્ગત કોઈપણ શાળા તેના બાળકોને કોઈપણ પ્રકારના અભ્યાસથી વંચિત રાખી ના શકે.