અમદાવાદ: રાજ્યમાં દિવાળીના તહેવારને લઈને લોકો બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. તહેવારના છેલ્લા રવિવારે રાજ્યના તમામ શહેરોની બજારોમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોનાને કારણે લોકો ગભરાતા હતા પરંતુ આ વર્ષે કેસ ખુબ ઓછા હોવાથી લોકો નિશ્ચિત થઈને બજારમાં ખરીદી કરવા પહોંચી રહ્યા છે. દિવાળીને પણ હવે 4 દિવસ બાકી છે અને આજે છેલ્લો રવિવાર હોવાથી ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ ઉમટી હતી.


અમદાવાદના લાલદરવાજામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. આ બજારમાં  તમામ વસ્તુઓ સરળતાથી અને સસ્તી મળે છે.  લાલ દરવાજા વીજળી ઘરથી લઈને માણેક ચોક સુધી દુકાનો અને પાથરણા વાળા જોવા મળ્યા હતા.


આજે બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ના મળે તેવી ભીડ જોવા મળી હતી. બજારમાં વાહન ચલાવવા તો સાવ મુશ્કેલ હતા, જેથી વાહન સાથે કોઈને પ્રવેશ પણ આપવામાં આવતો નહોતો. દિવાળી પૂર્વેનો અંતિમ રવિવાર હોવાથી રજાનો લાભ લઈને અનેક લોકોએ ખરીદી કરી હતી. અમદાવાદની મોટા ભાગની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા છે. 


કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીના બંન્ને ડૉઝ લેનાર નાગરિકોની સંખ્યા 100 ટકાએ પહોંચશે ત્યારે જ ગુજરાત કોરોના મુક્ત થવાની નજીક પહોંચશે. આ વાત કરી છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે. આ સાથે તેમણે રાજ્યમાં વેક્સિનેશનના કામગીરીની ટકાવારીથી અસંતોષ પણ વ્યક્ત કર્યો. દિવાળીના તહેવારની ઉજવણી સમયે નાગરિકોને કોવિડની ગાઈડલાઈનનું કડકાઈથી અમલ કરવાની પણ આરોગ્યમંત્રીએ અપીલ કરી હતી. એટલુ જ નહીં સામાજિત અંતર જાળવીને અને માસ્ક પહેરીને તહેવારોની ઉજવણી કરાય તેવી પણ તેમણે ટકોર કરી છે.  તહેવારોની સિઝનમાં રાજ્યભરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કોરોના સંક્રમણ વધે નહીં અને ત્રીજી લહેર ન આવે તેની તકેદારી રાખવાની જવાબદારી સરકારની સાથે નાગરિકોની પણ છે તેવી વાત પણ ઋષિકેશ પટેલે કરી હતી.