Ahmedabad Plane Crash:12 જૂન ગુરૂવારે સર્જાયેલી ભયંકર પ્લેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 278 સુધી પહોંચ્યો છે. જેમાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેમના અંતિમ સંસ્કારને લઇને કોઇ તારીખ કે સમયની જાહેરાત નથી કરાઇ કારણ કે હજુ સુધી તેના DNA મેચ થયા નથી. સતત તેમના ડીએમએ મેચ કરવાની પ્રોસેસ ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ તરફથી આ માહિતી મળી છે. અત્યાર સુધીમાં 31 મૃતદેહના ડીએનએ મેચ થયા છે.
અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કરુણ નિધન થયું છે. તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના પુત્ર ઋષભ રૂપાણી પણ અમેરિકાથી ગાંધીનગર આવી ગયા છે. 13 જૂનના રોજ સવારે જ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી અમદાવાદ પહોંચ્યા હતા અને હાલ તેઓ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને છે. વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા જ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને રાજકીય નેતાઓ અને કાર્યકરોનો ઘસારો જોવા મળી રહ્યો છે અનેક મંત્રીઓ અને સાંસદો અંજલિબેનને સાંત્વના આપવા પહોંચ્યા હતા.
વિજય રૂપાણીના અકાળે અવસાનથી ગુજરાતના રાજકારણમાં અને જાહેરજીવનમાં એક મોટી ખોટ પડી છે, અને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. નોંધનિય છે કે વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય રહી ચૂક્યાં છે અને તેઓ રાજકોટના લોકલાડીલા નેતા હતા જેથી રાજકોટ પણ તેમના લોકલાડીલા નેતાના નિધનથી શોકમગ્ન છે. 14 જૂન શનિવારે રાજકોટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના શોકમાં સજ્જડ બંધ રહ્યું હતું.
સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી અત્યાર સુધીમાં કુલ 31 વ્યકિતના DNA મેચ થઈ ગયા હોવાની માહિતી મળી છે. DNA મેચ થશે તેમ-તેમ મૃતદેહો સોંપવામાં આવશે.લોકોની સુવિધા માટે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ જ આવવા અપીલ કરવામાં આવી છે. 31 વ્યકિતના DNA મેચ થયા છે, અત્યાર સુધીમાં 12 મૃતદેહને સોંપાયા છે. મૃતદેહો સોંપવામાં કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવામાં આવતી નથી, તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. સિવિલના એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડન્ટે લોકોને કરી અપીલ કરી છે કે,સિવિલમાં રોકવા કરતા ઘરે જઇને ફોનની રાહ જુએ, મેચ થશે તેમ તેમ પરિજનોને ફોન કરવામાં આવશે.