અમદાવાદ: અમદાવાદના રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે દારૂના નશામાં ભાવનગરના પીએસઆઈને સોલા પોલીસે કંટ્રોલ મેસેજને આધારે ઝડપી પાડ્યા હતા. સોલા પોલીસ સ્ટેશન લવાયેલા પીએસઆઈએ અહીં પણ ભારે ધમાલ મચાવી હતી અને પોલીસ કર્મીઓ સાથે મારઝુડ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં લેપટોપ પણ તોડી નાખ્યું હતું અને પીઆઈ જાડેજાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ પ્રોહિબીશન અને સરકારી કામમાં અડચણરૂપ બન્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસે ફરિયાદ નોંધી એ મુજબ, 6 જાન્યુઆરીએ વહેલી સવારે રિંગ રોડ પર આવેલ ભાડજ સર્કલ જોડે સાયન્સ સિટી ઓનેસ્ટ પાસે આ બનાવ બન્યો હતો. જેમાં એક શખ્સ PIની ઓળખ આપી દારૂ પીધેલી હાલતમાં ગાળાગાળી કરી ધમાલ મચાવતો હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલને મળ્યો હતો. તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સેકન્ડ પી.આઈ. ડી.એચ.ગઢવી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

પોલીસ વાનમાં આ શખ્સને સોલા પોલીસ સ્ટેશન લઈ જવાયો ત્યાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં તેણે તોતડાતી જીભે પોતાનું નામ એમ.એચ.યાદવ તથા ગાંધીનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. વધુમાં હાલમાં તે ભાવનગરના ભરતપુર પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવે છે અને રજા પર ઘરે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

સોલા પોલીસે તેની સામે ગુનો નોંધતા મારા પર ગુનો કેમ નોંધ્યો કહીને મહિલા પોલીસ કર્મીઓની હાજરીમાં ગાળાગાળી કરવા લાગ્યો હતો. પોલીસે તેને અટકાવતા ઉશ્કેરાયેલા PIએ લેપટોપ તોડી નાખ્યું હતું. આખા પોલીસ સ્ટેશનને માથે લીધું હતું. અહીં હાજર સર્વેલન્સ સ્ક્વોડના ત્રણ કોન્સેબલોએ તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ત્રણેય કોન્સ્ટેબલોને માર માર્યો હતો.

તેણે પી.આઈ. જે.પી.જાડેજા અને અન્ય પોલીસ કર્મચારીઓને તમે અહીં નોકરી કેવી રીતે કરો છો તે હું જોઈ લઈશ કહીને જાડેજા તને તો હું જાનથી મારી નાંખીશ એવી ધમકી પણ આપી હતી. અંદાજે બે કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનારા આરોપી સામે પ્રોહિબીશન અને સરકારી કામમાં અડચણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.