અમદાવાદ:આજે વહેલી સવારે અમદાવાદમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, પરંતુ માત્ર એક કલાક વરસેલા વરસાદે AMCની પ્રિમોનસૂન કામગીની પોલ ખોલી દીધી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યભરમાં સવારથી વાતાવરણાં પલટો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદે ધૂઆધાર એન્ટ્રી કરી હતી. અમદાવાદમાં પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જો કે એક કલાક માત્ર વરસેલા ભારે વરસાદે AMCની પ્રિમોનસૂન કામગીની પોલ ખોલી દીધી છે.
માત્ર એક કલાકના જ વરસાદમાં અમદાવાદ પાણી-પાણી થઇ ગયું. અમદાવાદમાં સર્વિસ રોડ પર પાણી ભરાઇ ગયા. એસજી હાઈવે પરના સર્વિસ રોડ પાણી ભરાઇ જતાં વાહનો ચાલકો પરેશાન જોવા મળી રહ્યાં હતા. અમદાવાદમાં 135 ફૂટ રિંગ રોડ પર ભૂવો પડી જતાં સમગ્ર રોડ જ બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે વાહન ચાલકો એક કિમી સુધી વધુ અંતર કાપીને જવા મજબુર થયા હતા.
ભારે વરસાદ અને પવનના કારણે અમદાવાદના નાના પોરવાડમાં મકાનનો ભાગ ધરાશાયી થયો હતો જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
ચોમાસાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એએમસીની હજુ પણ પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ નથી થઇ. અનેક જગ્યાએ ખોદકામ ચાલતુ હોવાથી આ ખાડામાં પાણી ભરાઇ જતાં રાહદારી અને વાહન ચાલકોની પરેશાનીમાં વધારો થયો છો.
કયાં વિસ્તારમાં ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. મોડાસાના લીંભોઈ, ગાજણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાયડ તાલુકામાં પણ સવારથી ધોધમાર વરસાદની શરુઆત થઇ.
બનાસકાંઠામાં સવારથી મૂશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદના કારણે સવાર બહાર જતા લોકોને મુશ્કેલી પડી હતી. કાંકરેજ અને દાંતીવાડામાં ભારે વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ગાંધીનગર જિલ્લામાં વરસાદ
આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. ગઇકાલે ભારે ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી ગાંધીનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પેથાપુર, રાંધેજા, વાવોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો