અમદાવાદઃ દેશ અને દુનિયા અત્યારે કોરોના સામે લડી રહી છે. હવે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય કોરોનાની રસી જ માનવામાં આવી રહી છે, ત્યારે બધાની નજર કોરોનાની રસી પર મંડાયેલી છે. સરકાર દ્વારા પણ કોરોનાની રસીને આશા વ્યક્ત કરવામાં આવી છે અને વર્ષના અંતમાં કે પછી નવા વર્ષની શરૂઆતમાં કોરોનાની રસી ભારતમાં આવી જશે, તેમ જણાવાયું છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતમાં કોરોનાની રસી લોંચ થઈ ગઈ છે અને રજીસ્ટ્રેશન કરાવનારને જ રસી અપાશે, તેવા મેસેજ વાયરલ થયા છે.


આ અંગે ભારત સરકારે પીઆઇબીફેક્ટ ચેક મારફત સ્પષ્ટતા કરી છે કે, વોટ્સએપ ફોરવર્ડ મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે ભારતમાં 'કોરોના રસી' લોંચ કરવામાં આવી છે અને લોકોએ 'વેક્સીન એપ' ડાઉનલોડ કરીને તેના માટે નોંધણી કરાવી રહ્યાં છે. જોકે, આ દાવો ખોટો છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, કોરોનાની રસી આવી નથી અને આવી કોઈ જ એપ લોંચ કરવામાં આવી નથી. સરકારે લોકોને આ પ્રકારના અહેવાલોથી ગેરમાર્ગે નહીં દોરાવા અપીલ કરી છે.