અમદાવાદઃ શહેરમાં માનવ અંગો મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મર્ડર મિસ્ટ્રીના કેસનો પર્દાફાશ કરતા આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે નિલેશ જોશી નામના આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. પોલીસે ખુલાસો કર્યો હતો કે નિવૃત ક્લાસ-2 અધિકારી નિલેશે જ પુત્રની હત્યા કર્યો હોવાનો આરોપ છે. એટલું જ નહી નિલેશે પુત્રની હત્યા કર્યા બાદ તેની લાશના ટૂકડા કરી શહેરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા. પોલીસે નિલેશે તેના પુત્રની હત્યા ક્યાં કરી અને માથુ અને હાથ ક્યાં નાખ્યા તેની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ પોલીસને શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી માનવ અંગો મળ્યા હતા. માનવ અંગો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આંબાવાડીમાં રહેતા નિલેશ જોશીએ જ પોતાના પુત્ર સ્વયંની હત્યા કરી ટુકડા કરી નાખ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની 2 ટીમ આ કેસમાં તપાસ કરી રહી હતી. આરોપીનું નામ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.તપાસમાં સામે આવ્યું કે, આરોપી એસ.ટી બસમાં બેસીને સુરત ગયો હતો અને સુરતથી અવધ એક્સપ્રેસમાં બેસીને ગોરખપુર જવા રવાના થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે RPFની મદદથી રાજસ્થાનના સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલ્વે સ્ટેશન પરથી આરોપી નિલેશ જોશીને ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે નિલેશ જોશીનો પુત્ર સ્વયં 10 ધોરણ સુધી ભણેલો છે. સ્વયં કોઈ કામ ધંધો કરતો ન હતો અને નશાના રવાડે ચઢી ગયો હતો. સ્વયં દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરતો હતો, જેને લઈને પિતા-પુત્ર વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા.
પુત્રએ નિલેશભાઇને ધોકાથી મારવાનો પ્રયાસ કર્યો હતો. નિલેશભાઈએ પોતાના બચાવમાં લોખંડના સળિયાથી માર માર્યો હતો. 6થી7 ઘા માથાના ભાગમાં મારતા પુત્રનું મોત થયું હતું. બનાવ બાદ નિલેશભાઈ પહેલા સુરત ભાગી ગયા હતા. સુરતથી ગોરખપુરવાળી ટ્રેનમાં ઉત્તર પ્રદેશ જવાના હતા. ગોરખપુર જવા માટે નીકળ્યાની પોલીસને માહિતી મળી હતી. ગોરખપુરથી તેઓ નેપાળ ભાગી જવાના હતા. પુત્ર સ્વયંમ નશાનો આદિ હતો અને તેના કારણે અવારનવાર ઝઘડા થતા હતાં. સ્વયમ 10 ધોરણ સુધી ભણ્યો હતો અને કોઈ કામધંધો કરતો ન હતો.
નિલેશ જોશી 65 વર્ષના વ્યક્તિએ પુત્રને મારી નાખ્યો હતો. પુત્રના મોત બાદ ઓળખ ન થાય તે માટે ઇલેક્ટ્રિક કટરથી 3 ટુકડા કર્યા હતા. પુત્રના શરીરના 3 ટુકડા અલગ-અલગ જગ્યાએ ફેંકી દિધા હતા. જમવાની બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. લાશના આ ટુકડા કરીને તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક્ટિવા પર લઈ જઈને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડીને અમદાવાદ લાવી છે. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી છે.