અમદાવાદઃ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. આગની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ હજુ કેટલાક લોકોની હાલત ગંભીર છે, ત્યારે મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાને પગલે ગોડાઉનમાં કામ કરતા લોકોના પરિવારે આંક્રદ કરી મૂક્યો હતો.


મળતી વિગતો પ્રમાણે, પીરાણા રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટ સ્થિત કાપડના ગોડાઉનમાં આગ લાગી છે. ઇજાગ્રસ્ત લોકોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનના મતે આગના કારણે નહીં પણ દીવાલ પડતા ઇજાગ્રસ્ત લોકોના મોત થયા છે. ચાર લોકો હોસ્પિટલ પહોંચતા અગાઉ જ મોતને ભેટ્યા હતા.

આજે સવારે નાનુકાકા એસ્ટેટ ખાતે આવેલા કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. આ અંગે જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. શરૂઆતમાં બોઇલરમાં ધડાકા પછી આગ લાગી હતી. જેમાં દિવાલ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે. જોકે, ફાયરબ્રિગેડે બોઇલર ફાટવાની  વાતની પુષ્ટી કરી નથી.

હાલ, ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ ઘટનિાસ્થળે છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. કારણે કે, હોસ્પિટલ ખસેડાયેલા લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાસ્થળે 35થી 40 ફાયરબ્રિગેડના જવાનો બચાવકામગીરીમાં જોડાયેલા છે. હજુ લોકો ફસાયેલા છે કે નહીં, તે તપાસ ચાલું છે.

ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, ફેક્ટરી ખાતે બોઇલર મળી આવ્યું નથી, જેથી બોઇલર ફાટ્યું હોવાની વાત સાચી લાગતી નથી. અહીં બેરલ પડ્યા છે, જેને કારણે આગ લાગી હોઇ શકે છે. બ્લાસ્ટ અંગે સચોટ કોઈ માહિતી ન હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. અહીં ફાયરસેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનું પણ જણાવાયું હતું.