અમદાવાદ: અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં પ્રથમ ફરિયાદ નોંધાતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં એક સાથે પોલીસ સ્ટેશનમાં 3 અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અમદાવાદમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં એક દિવસમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરખેજ , એલિસબ્રિજ અને સોલા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ફરિયાદ નોંધાઈ છે.

બોપલના પ્રણવ શેઠ નામના વેપારીની સરખેજ વિસ્તારની જમીનમાં અહેમદ અલ્લારખ્ખા નામના આરોપીએ ગેરકાયદેસર કબજો કરી જમીન રહેણાંકના ઝોન-1માં આવતી હોવા છતાં તેના ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી શીતલ એસ્ટેટના નામે ગોડાઉન દુકાનો બનાવી વેચાણ તથા ભાડેથી આપી આર્થિક લાભ મેળવી તેમજ આગળના ભાગે મસ્જિદ બનાવી ગેરકાયદેસર રીતે માલિકીની કિંમતની જમીન પચાવી પાડવાના ઈરાદે કબજો કરી લેતા ગુનો દાખલ કર્યો હતો.

એલિજબ્રિજમાં પાંજરાપોળ સંસ્થાની ગૌચરની જમીન પચાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સરખેજમાં ખાનગી જમીન પર ગેરકાયદેસર કબજો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સોલામાં સરકારી જમીન ગેરકાયદે પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ એલિસબ્રિજ પોલીસે સરખેજમાં એક અને સોલામાં 3 આરોપી ધરપકડ કરી છે.

એલીસબ્રિજ વિસ્તારમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આંબાવાડી પોલીટેકનીક કોલેજની સામે આવેલી પાંજરાપોળની જમીનનો અમુક ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવી આર્થીક લાભ મેળવવા માટે વિરલ દેસાઈ, વિપુલ દેસાઈ અને બચુ ચુનારા નામનાં 3 શખ્સો સામે એલીસબ્રિજ પોલીસે નવા કાયદા મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

ત્રીજી ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં છારોડીનાં રેવન્યુ તલાટીએ એસજી હાઈવેની બન્ને તરફ આવેલી જમીનમાં 6 જેટલા આરોપીઓએ ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડવાનો પ્રયત્ન કરનારા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.