અમદાવાદઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ નાગપુરમાં નોંધાયા છે. આ દરમિયાન હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે નાગપુરમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. ત્યારે આવો જાણીએ અત્યારે ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ?



રાજ્યમાં કોરોના ફરી બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 484 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.

ગુજરાતમાં ક્યારે નોંધાયો હતો કોરોનાનો પહેલો કેસ?

ગુજરાતમાં ગત 19મી માર્ચે કોરોનાની એન્ટ્રી થઈ હતી. 19 માર્ચ 2020માં રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસ નોંધાયા હતા. ગત 19મી માર્ચે સાઉદી અરેબિયાથી રાજકોટ આવેલા 32 વર્ષીય યુવક અને આ જ સમયે લંડનથી આવેલી 21 વર્ષીય યુવતીનો કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાત સહિત દેશમાં 26મી માર્ચે લગાવાયું હતું લોકડાઉન

રવિવાર ને 22મી માર્ચે ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક દિવસનો જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. તેમજ કોરોનાના કેસો સતત વધતા રહેતા 26મી માર્ચે 21 દિવસનું દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

રાજ્યમાં અત્યાર સુધી 2,67,250 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા પર પહોંચ્યો છે. હાલ 3529 એક્ટિવ કેસ છે, જેમાંથી 47 લોકો વેન્ટિલેટર પર અને 3482 લોકો સ્ટેબલ છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 17,13,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,19,798 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 57,277 લોકોને રસી આપવામાં આવી છે.