અમદાવાદ: અમદાવાદ શહેરમાં બે વર્ષ બાદ ફ્લાવર શો અને ત્રણ વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. કોરોનાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો રદ કર્યા હતા. ચાલુ વર્ષે અમદાવાદ શહેરના નાગરિકો અને મનોરંજન માટે અનેક વિકલ્પો મળશે. કારણ કે, 25 ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શો યોજાશે.
અંદાજે અઢી કરોડના ખર્ચે ફ્લાવર શો માટે તૈયારીઓ હવે શરૂ કરવામાં આવશે. બીજી તરફ ત્રણ વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલની ઉજવણી પણ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો માટે 14 દિવસનું લક્ષ્યાંક હાલ રાખ્યો છે જેમાં નાગરિકનો ઘસારો જોતા મર્યાદા વધારવામાં પણ આવી શકે તેમ છે.
પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓનો પગારવધારો પાછો ખેંચવાનો સરકારે આપ્યો આદેશ
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓનો પગારવધારો પાછો ખેંચવાનો આદેશ આપવામાં આવતા ચકચાર મચી છે. સરકારે આંદોલન સમયે સર્વેલન્સ એલાઉંસ તરીકે 4 હજાર રુપિયા જાહેર કર્યા હતા. જાહેર કરાયેલો 4 હજાર રૂપિયાનો પગાર વધારો ચૂકવાય ગયો. પણ હવે વિભાગે ફિક્સ પગારમાં રહેલા કર્મચારીઓ પાસેથી રિકવરી કરવાનો આદેશ કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ફિક્સ પગારમાં રહેલા કર્મીઓ અંગે પરિપત્રમાં સ્પષ્ટતા ન હોવાનું કારણ આગળ ધર્યું છે.
મહીસાગરના બાલાસિનોરમાં એક હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન
મહીસાગર જિલ્લામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી છે. મહીસાગરના બાલાસિનોરમાં આવેલ એક હોટલમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું. મહીસાગર, પંચમહાલ અને ખેડા ત્રણ જિલ્લાના કુલ 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ધર્મ પરિવર્તન કરનારાના લોકોનો દાવો છે કે ધર્મ પરિવર્તન માટે એક મહિના અગાઉ જિલ્લા કલેકટર પાસે પરમિશન માંગવામાં આવી હતી. કોઈપણ પ્રકારના લોભ લાલચમાં ના આવી અને સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું લોકોનું કહેવું છે.
ચૂંટણીમાં ભાજપનું કામ કેમ કર્યું કહી બોરસદમાં BJPના કાર્યકર પર કરાયો જીવલેણ હુમલો
ચૂંટણીની અદાવતમાં આણંદના બોરસદમાં ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાતે લાકડી લઇ 5 હુમલાખોરો ભાજપનું કામ કેમ કર્યું તેમ કહી ચંદ્રેશ પટેલ નામના ભાજપના કાર્યકર પર તૂટી પડ્યાં હતા. પપ્પુ રબારી નામના શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાથ તથા પગમાં 10થી વધુ ફ્રેક્ચર થયા છે. હાલ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના ધારાસભ્યોએ ગઈકાલથી ચાર્જ સંભાળી લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં આવ્યા છે. તેમણે મંત્રીમંડળના સભ્યોને 100 દિવસનો રોડ મેડ બનાવવા અને વિભાગની કામગીરીમાં સંકલ્પ પત્રની જોગવાઈઓને પ્રાધાન્ય આપવા સૂચના આપી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલનો પહેલો સ્ટેજ કાર્યક્રમ પાટીદારોની મહત્વની સંસ્થા સરદાર ધામમાં યોજાયો હતો. વૈષ્ણોદેવી અંડર પાસ લોકાર્પણ કાર્યક્રમ બાદ સીએમ સરદારધામ પહોંચ્યા હતા. જેમાં તેમણે કહ્યું ધાર્યા કરતા પરિણામ સારું આવ્યું એટલે વધારે જોશ આવે, હવે જવાબદારી પણ ડબલ છે. લોકોએ વિશ્વાસ કાયમ રાખ્યો છે એ હજુ કાયમ રહે તે કામ કરવાનું છે, જો એસપી રીંગ રોડ ન બન્યા હોત તો શું થાત ? હવે એસપી રીંગ રોડ પર પણ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. અમિત ભાઈ મોટી જવાબદારી હોવા છતાં એમના મત વિસ્તારની ચિંતા કરી રહ્યા છે. મારો પહેલો કાર્યક્રમ સરદારધામ અને વલ્લભભાઈના ચરણોમાં થઈ રહ્યો છે એનો પણ મને આનંદ છે.