Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં હરિભક્તો આવી રહ્યા છે. પીએમ મોદીએ બુધવારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાલાલ ઉર્ફે દિલિપ જોષી પણ અહીં હાજર છે. આ ઉપરાંત ગુજરાતના અનેક જાણીતા ઉદ્યોગપતિઓ પણ આજે હાજરી આપવાના છે. જેમાં ગૌતમ અદાણી અને નિરમાના કરશન પટેલનો પણ સમાવેશ થાય છે.
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં નાસ્તા પાણી માટે તૈયાર કરવામાં આવેલ પ્રેમવતી કેફે અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના પ્રેમવતી રેસ્ટોરન્ટથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ અહીં પ્રમુખ સ્વામી નગરીમાં પણ પ્રેમવતી કેફે તૈયાર કરવામાં આવ્યા છે. જેની ખાસિયત એ છે કે આ તમામ 30 પ્રેમવતી કેફે મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ 30 પ્રેમવતી કેફેમાં 3000 થી વધારે મહિલાઓ કામકાજ સંભાળી રહી છે. નાસ્તા-પાણીની ડિલિવરી, બિલિંગનું કામકાજ મહિલાઓ અને યુવતીઓ કરી રહી છે. જ્યાં વ્યાજબી ભાવે નાસ્તા પાણીની સુવિધા ઉપલબ્ધ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ-સેવા એ જ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર
વડાપ્રધાને કહ્યું કે અક્ષરધામ પર હુમલો થયો ત્યારે એ સંકટના સમયે પ્રમુખસ્વામીએ મને ફોન કરી કહ્યું હતું કે, તારૂં ઘર તો સામે જ છે. કોઈ તકલીફ નથી ને. મંદિર પરંપરાને પ્રમુખ સ્વામીએ આધુનિક બનાવી છે પ્રમુખ સ્વામીએ સંત પરંપરાને બદલી છે. સમાજ કલ્યાણમાં પ્રમુખ સ્વામી મહારાજનું યોગદાન મોટું છે. સારંગપુરમાં સંતો માટે ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટ શરૂ કરાયા છે. સમાજમાં સંત પણ સામર્થ્યવાન હોવા જોઇએ. સ્વામીએ દેવ ભક્તિ અને દેશ ભક્તિમાં ફરક ના રાખ્યો.
ભૂકંપ સમયે સંતોએ મારી ચિંતા કરી હતી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2012માં શપથ લીધા બાદ બાપાના આશીર્વાદ લીધા હતા. મહત્વપૂર્ણ તબક્કાએ પ્રમુખ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. પ્રમુખ સ્વામીએ આપેલી પેનથી ઉમેદવારી કરી હતી. તમામ ચૂંટણીમાં ઉમેદવારી બાપાએ આપેલ પેનથી કરી છે. પ્રમુખ સ્વામી મને દર વર્ષે કુર્તા મોકલતા હતા. કચ્છના ભૂકંપ સમયે સંતોએ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. ભૂકંપ સમયે સંતોએ મારી ચિંતા કરી હતી. મુશ્કેલીના સમયે સ્વામી બાપાના આશીર્વાદ રહ્યા છે. એકતા યાત્રા જમ્મુમાં પહોંચી ત્યારે બાપાના આશીર્વાદ મળ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પ્રમુખસ્વામી સાચા સમાજ સુધારક હતા. પ્રમુખસ્વામી સાથે સત્સંગ કરવો સૌભાગ્ય. સેવા એ જ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું. પ્રમુખ સ્વામી માનવસેવાને વરેલા હતા. અહીયા ભારતના તમામ રંગ દેખાય છે. ભવ્ય આયોજન આવનારી પેઢીને પ્રેરણા આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ ઉપસ્થિત છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 1 લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા.