જુનાગઢ: અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમા પૂર્વ સીએમ વિજય રુપાણીએ જીવ ગુમાન્યો છે. પૂર્વ સીએમના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેના પર દિવંગત વિજય રુપાણીને અત્યંત શ્રદ્ધા હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સાથે ખાસ લગાવ હતો. અતિ પ્રાચીન અને પૌરાણિક એવા ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રત્યે તેઓ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા.
જયારે વિજયભાઈ રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ વ્યક્તિગત રસ દાખવી અને પોતાના પ્રયાસોથી ઇન્દ્રેશ્વર મંદિરના પટાનગણમાં નવા બાંધકામના કામ મંજુર કરાવેલ હતા. અહીં તેઓએ ગૌશાળા અને હોલના નવા બાંધકામ માટે સરકારમાંથી કામ મંજૂર કરાવેલ હતી. અંદાજિત 4 કરોડની રકમનાં કામ મંજુર કરાવેલ જેમાં ગૌ શાળા, સત્સંગ હોલ,વિશ્રામ ગૃહનો સમાવેશ થાય છે.
મંદિરના મહંતે જણાવેલ કે, આ નવા બાંધકામના કામકાજ દરમિયાન તેઓ તેમની પાસે સતત જાણકારી મેળવતા અને અંગત રુચિ દાખવી કાર્યને પૂર્ણ કરાવેલ હતું. ઈન્દ્રેશ્વર મંદિરના પૂજારી રામદાસ બાપુ સાથે પણ તેઓને નિકટના સંબંધ હતા. ઇન્દ્રેશ્વર મંદિરના મહંત રામદાસ બાપુએ જણાવ્યું હતું કે તેઓ હજુ થોડા સમય પૂર્વે જ અહીં આવેલ હતા અને ઇન્દ્રેશ્વર મહાદેવના આશીર્વાદ લીધેલ હતા. તેઓએ જણાવેલ કે વિજયભાઈ રૂપાણીના નિધનની ખબર સાંભળી તેઓ સ્તબ્ધ થઇ ગયેલ હતા. આ ઉપરાંત ઇન્દ્રેશ્વર મંદિરના મહંતે વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે અને સદ્દગતિ પ્રાપ્ત થાય તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી.
પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ
રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલમાં ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડીયા ત્યાં પહોંચ્યા છે. પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસ સ્થાનના દરવાજા ખોલવામાં આવ્યા છે. DNA રિપોર્ટ બાદ પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવશે. રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટી સુધી પાર્થિવદેહને લાવવામાં આવશે. જેનો રૂટ ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રૈયા રોડ થઈ હનુમાન મઢીથી પ્રકાશ સોસાયટી નિવાસ સ્થાન સુધી પાર્થિવ દેહને લાવવામાં આવશે. પાર્થિવ દેહને નિવાસ સ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર રામનાથ સ્મશાન ખાતે કરવામાં આવશે.