અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા છેલ્લા કેટલાય સમયથી હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહની ભાજપ શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જગદીશ પંચાલના સ્થાને અમિત શાહને પ્રમુખ બનાવાયા છે.
નોંધનીય છે કે, ગત અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે અમિત શાહને ટિકિટ આપી નહોતી. તેમજ તેમના પુત્રને પણ ટિકિટ મળી નહોતી. ભાજપ દ્વારા બેથી વધુ વાર ચૂંટાયેલા અને નેતાઓના સગાઓની ટિકિટ નહીં આપવાનું નક્કી કરવામાં પિતા-પુત્રને ટિકિટ મળી નહોતી.
આ સમયે અમિત શાહની નારાજગી પણ સામે આવી હતી. જોકે, પાર્ટી તેમને મનાવી લેવામાં સફળ થઈ હતી. તેમજ અમિત શાહે પાર્ટી તરફથી કોઈ નારાજગી ન હોવાની વાત પણ મીડિયા સમક્ષ કરી હતી. ત્યારે હવે તેમને પાર્ટીને વફાદારીને બિરદાવી છે અને તેમને અમદાવાદ શહેર પ્રમુખ બનાવાયા છે.