Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ સુકાન સંભાળ્યા બાદ હવે તેમના નવા સંગઠન માળખાને લઈને રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 'ટીમ જગદીશ વિશ્વકર્મા'માં જ્ઞાતિ-જાતિ અને ઝોનને મહત્વ અપાશે તે નિશ્ચિત છે, ત્યારે યુવા નેતાઓને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે.

Continues below advertisement


પ્રથમ મહિલા મહામંત્રીનો યોગ? રંજનબેન ભટ્ટનું નામ મોખરે!


પ્રદેશ ભાજપના નવા માળખામાં સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાને પ્રદેશ મહામંત્રી પદની જવાબદારી સોંપાઈ શકે છે. વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટને પ્રદેશ મહામંત્રી બનાવાય તેવી પ્રબળ શક્યતા છે. જો આ નિમણૂક થાય તો તે ગુજરાત ભાજપના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના હશે.


પ્રદીપસિંહ વાઘેલાની પુનઃએન્ટ્રી અને અન્ય સંભવિત નામો:



  • સી.આર. પાટીલના કાર્યકાળમાં પ્રદેશ મહામંત્રી રહી ચૂકેલા પ્રદીપસિંહ વાઘેલાની પ્રદેશ સંગઠનમાં ફરી એક વખત મહત્વની જવાબદારી સાથે પુનઃએન્ટ્રી સંભવ છે. તેમને મહામંત્રી અથવા ઉપાધ્યક્ષ જેવું પદ સોંપાઈ શકે છે.

  • સૌરાષ્ટ્ર ઝોનમાંથી પણ મહત્વના નામો ચર્ચામાં છે. ધવલ દવે અથવા ભરત બોઘરાને મહામંત્રી પદની જવાબદારી મળી શકે છે, જે પ્રાદેશિક સંતુલન જાળવવામાં મદદ કરશે.


જયેશ રાદડિયાને પણ મહત્વનું સ્થાન?



  • સહકારી નેતા, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા જો મંત્રી મંડળમાં સ્થાન ન મેળવી શકે, તો તેવા સંજોગોમાં તેમને પ્રદેશ ભાજપના સંગઠનમાં મહામંત્રી પદ અપાય તેવી પૂરી શક્યતા છે.

  • આ ઉપરાંત, વલસાડના સાંસદ અને આદિવાસી નેતા ધવલ પટેલનો પણ નવા સંગઠન માળખામાં સમાવેશ થઈ શકે છે, જે આદિવાસી સમાજને પ્રતિનિધિત્વ આપશે.


સંગઠનનું માળખું:


ભાજપના સંવિધાન મુજબ, 20 થી વધુ બેઠકો ધરાવતા પ્રદેશને ચાર મહામંત્રી, 10 ઉપપ્રમુખ, 10 મંત્રી અને એક ખજાનચીની મહત્તમ સંખ્યામાં માળખું તૈયાર કરવાની છૂટ હોય છે. આ નિયમોને આધારે 'ટીમ જગદીશ વિશ્વકર્મા'નું સંગઠન ખૂબ જ વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવશે, જેમાં જૂના અને નવા, યુવા અને અનુભવી નેતાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં પ્રદેશ ભાજપના નવા સંગઠનની સત્તાવાર જાહેરાત થાય તેવી અપેક્ષા છે.