આ વખતે અમદાવાદ મ્યુનિસિપલની આ ચૂંટણીમાં કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજીએ પણ ઉમેદવારી નોંધાવી જીતનો દાવો કર્યો છે. આ પહેલાં પણ તેઓ ત્રણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે તેમજ જ્યાં સુધી જીતશે નહીં ત્યાં સુધી ચૂંટણી લડતા રહેવાનો નિર્ધાર કર્યો છે.
અમદાવાદના સરસપૂર્ણ બોમ્બે હાઉસિંગમાં રહેતા નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજી નામના કિન્નરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષમાંથી સરસપુર રખિયાલ વૉર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાનું ચૂંટણી ચિહન બંગડીનું રાખ્યું છે. આ અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા અને લોકસભામાં પણ તેમણે ઉમેદવારી નોંધાવી હતી.
આ પહેલાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1706 મત મળ્યા હતા, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં 2,303 અને લોકસભા ચૂંટણીમાં 2,571 મત મેળવ્યા હતા. આ ચૂંટણીમાં પણ જંગી મત મળશે અને જીત મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાજુ માતાજીએ જણાવ્યું હતું કે સરસપુર અને એની આસપાસ સ્લમ વિસ્તાર આવેલો છે. અહી અનેક સમસ્યાઓ છે. પ્રતિનિધિઓ ચૂંટાયા બાદ વચનો પુરા કરતા નથી. જો હું ચૂંટાઇ તો સ્લમ વિસ્તારની પાયાની જરૂરિયાતોને પુરી કરીશ.
રાજુ માતાજીએ જણાવ્યું કે, મને ઉણેદવારી પત્ર ખેંચવા માટે અનેક લાલચ આપવામાં આવી પરંતુ મેં મારો નિર્ણય ન બદલ્યો. જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી લડીશ.
રાજુ માતાજીએ પ્રચાર કરતાં લોકોને અપીલ કરી તમે અન્ય પક્ષને વર્ષોથી મત આપ્યા છે પરંતુ આ વખતે કિન્નરને મત આપી લોકો માટે કામ કરવાની તક આપો. નોંધનીય છે કે, આ પહેલા જ્યારે પણ તેને કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેના વિસ્તાર અને આસપાસના વિસ્તારના લોકોના સારા મત મળ્યા હતા, ત્યારે આ ચૂંટણીમાં પણ સારા મત આપશે એવી રાજુ માતાજીને આશા છે.