અમદાવાદ: નવરાત્રિમાં ગરબા રમવાને લઈને દરેક ગુજરાતી ઉત્સાહિત હોય છે. હવે નવરાત્રિને આડે બે મહિના જેટલો સમય બાકી છે. જો કે આ વર્ષે ગરબે રમવા ખેલૈયાનો થોડા મોંઘા પડી શકે છે. કારણે કે, કેન્દ્ર સરકારે ગરબાના પાસ પર જીએસટી લગાવ્યો છે. 18 ટકા જીએસટી લગાવવામાં આવતા ખેલૈયાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. 




ગુજરાતની સંસ્કૃતિનું અપમાન


તો બીજી તરફ ગરબા પર જીએસટી નાખવામાં આવતા રાજકારણ પણ ગરમાયું છે. AAP ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, ગરબા પર જીએસટી લાદવોએ ગુજરાતની સંસ્કૃતિનું અપમાન છે. ભાજપ દ્વારા ગરબા પર જીએસટી લાદવોએ ગુજરાતની પરંપરાનું અપમાન છે. ગરબા એ શ્રદ્ધાનો વિષય છે, પૈસા કમાવવાનું સાધન નથી. ભાજપે ગરબા પર લાદવામાં આવેલ GST પાછો ખેંચવો જોઈએ તેવી ગોપાલ ઈટાલીયાએ માગ કરી છે.


કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું 


ગરબાના પાસ પર 18 ટકા જી.એસ.ટી મામલે વડોદરામાં પણ વિરોધ જોવા મળ્યો હતો. સરકારના 18 ટકા જીએસટી વસૂલી મામલે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદન આપ્યું હતું. ગરબા પરથી જી.એસ.ટી હટાવવા માંગ સાથે કોગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ગરબા રમી વિરોધ વ્યક્ત કર્યો હતો.


રાજકીય પાર્ટી ઉપરાંત ગરબા આયોજકો પણ નિવેદન આપી રહ્યા છે


રાજકીય પાર્ટી ઉપરાંત ગરબા આયોજકો પણ નિવેદન આપી રહ્યા છે. યુનાઇટેડ વે ગરબા આયોજક હેમંત શાહે નિવેદન આપ્યું છે. વર્ષોથી યુનાઇટેડ વેના ગરબાનું આયોજન કરીએ છીએ. કોવિડના 2 વર્ષ બાદ ગરબાના આયોજનને લઈ અમે ઉત્સુક છીએ. યુનાઇટેડ વે સામાજિક સંસ્થા છે જે સમાજમાં સેવાના કાર્યમાં નાણાં ઉપયોગમાં લે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 30 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘુમશે. સરકારના આદેશ મુજબ અમે ખેલૈયાના સીઝનલ પાસ પર 18 ટકા જી.એસ.ટી લગાવ્યો છે. જો સરકાર આ ટેક્ષ રદ કરશે તો અમે ખેલૈયાઓને રિફંડ ચૂકવીશું. ખેલૈયાઓ માટે સીઝનલ પાસના ચાર્જની વાત કરીએ તો યુવકોના પાસનો ચાર્જ 4100 + 738 જી.એસ.ટી મળી - 4838 રૂપિયા થશે જ્યારે યુવતીઓ માટે 1100 + 198 જી.એસ.ટી મળી 1298 રૂપિયા થશે.