Gujarat Politics: ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી જ્યારે 35 જેટલી બેઠકો પર તે બીજા નંબરે રહી હતી. હવે આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. ભવિષ્યની વ્યૂહરચના અને સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત આપની ટીમે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી.
દિલ્હીમાં યોજાયેલ બેઠકમાં ગુજરાતની ટીમના શીર્ષ નેતાઓએ હાજરી આપી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી ગોપાલ ઇટાલીયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, સાઉથ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ ચૈતર વસાવા, સુરત ઝોન કાર્યકારી અઘ્યક્ષ અલ્પેશ કથિરીયા, નોર્થ ગુજરાત ઝોન કાર્યકરી અઘ્યક્ષ ડોક્ટર રમેશ પટેલ, કચ્છ ઝોન સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાશદાન ગઢવી, સૌરાષ્ટ્ર ઝોન કાર્યકારી અઘ્યક્ષ જગમાલ વાળા અને સેન્ટ્રલ ગુજરાત ઝોન કાર્યકારી અઘ્યક્ષ જ્વેલ વસરા હાજર રહ્યા હતા. આ તમામ શીર્ષ નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલે ચર્ચા વિચારણ કરી હતી અને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી.
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર
અમદાવાદ: પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી અને કાચ પાયેલા માંજા અને ચાઈનીઝ તુક્કલ પરની રોક પરની અમલવારીને મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે રાજ્ય સરકારે કરેલું સોગંદનામુ માત્ર વાહિયાત જ નહીં, વિશ્વાસ અપાવે તેવું પણ નથી. હાઇકોર્ટે ચીફ સેક્રેટરીને નવેસરથી સોગંદનામુ કરવા કરવા હુકમ કર્યો છે. હાઇકોર્ટ એમ પણ નોંધ્યું કે, રાજ્ય સરકાર ચાઈનીઝ દોરી અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના મુદ્દાની અમલવારીને હળવાશમાં લઈ રહી છે, જે ચલાવી લેવાશે નહીં.
કોર્ટે પોતાના હુકમમાં એમ પણ નોંધ્યું કે, લોક જાગૃતિ ફેલાવવા માટેના જરૂરી પગલાંની અમલવારી બાબતે પણ રાજ્ય સરકારનું સોગંદનામુ કોઈ વિગતો દર્શાવતું નથી. કોર્ટે એમ પણ નોંધ્યું કે, માત્ર અગાઉના જાહેરનામાઓની વિગતો સોગંદનામાં પર મૂકી દેવાથી સરકારનો ભવિષ્યનો એક્શન પ્લાન છતો થતો નથી અને જ્યારે કોર્ટે સરકારને સ્પષ્ટપણે સરકારનો એક્શન પ્લાન રજૂ કરવાનો આદેશ કર્યો છે તેમ છતાંય સરકારનું સોગંદનામુ તે બાબતે મૌન છે.
હાઇકોર્ટ મુદ્દાની સુનાવણી 7 જાન્યુઆરીના રોજ શનિવારના દિવસે નિયત કરી છે. બીજી બાજુ અરજદાર તરફથી પણ અમુક સૂચનો રજૂ કરવામાં આવ્યા જે દિશામાં જો સરકાર કામગીરી કરે તો લોકો અને પક્ષીઓને થતી ઇજા અને મૃત્યુ અટકી શકે તેવી અરજદારે રજૂઆત કરી.. ત્યારે શનિવાર સુધીમાં સરકારે પોતાનું સુગંધનામું નવેસરથી રજૂ કરવાનું છે. જે બાદ કોર્ટના નિર્દેશો મહત્વના બની રહેશે.
અરજદારે રાજ્ય સરકારને કર્યા 10 સૂચનો
1. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ સામે ફરિયાદ મામલે રાઉન્ડ ધ ક્લોક એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે જ્યાં ફરિયાદીના નામની ગોપનીયતા જાળવવામાં આવે
2. સ્થાનિક તંત્ર પણ સામાજિક સંસ્થાઓ અને શાળા કોલેજના બાળકોને સાથે રાખીને પશુ પક્ષીઓ મામલે જાગૃતતા ફેલાવવાનું કામ કરવામાં આવે
3. સ્થાનિક અગ્રણીઓ સાથે રાખી એક કમિટીની રચના કરવામાં આવે જે કલેક્ટર અથવા એસપી કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતામાં બનાવવામાં આવે
4. આવા પ્રકારનું કૃત્ય કરતા પકડાય તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.
5. આ પ્રકારના કિસ્સામાં ઘાયલ થતા લોકો માટે વળતર નક્કી કરવામાં આવે.
6. તમામ પોલીસ મથકોમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવે કે જે ગેરકાયદેસર મેન્યુફેક્ચર વેચાણ અને વપરાશ કરતા લોકોની ઓળખ કરી શકે.
7. પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરનારા લોકોને પકડવા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે.
8. ઓનલાઇન વેચાણ કરતા તમામ ઈ કોમર્સ વેબસાઇટને આવા પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા માટે પણ જાણ કરવામાં આવે.
9. પાર્સલ ટ્રાન્સફર કરતી સંસ્થાઓને પણ આવા પ્રકારના પ્રતિબંધિત મટીરીયલની હેરફેર ન કરવા સૂચના આપવામાં આવે.
10. ઉતરાયણના તહેવાર દરમિયાન પણ પોલીસ ચેકિંગ કરે જેના કારણે પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.