અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી સામે દારૂ પીવાનો કેસ કરાયો છે. ઈસુદાને આ કેસ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલને જવાબદાર ગણાવ્યા છે. ઈસુદાન ગઢવીએ ભાજપના પ્રદેશ પ્રમુખને સુપર સીએમ ગણાવીને કહ્યું છે કે, સુપર સીએમના કહેવાથી મેં દારૂ પીધો હોવાનો રિપોર્ટ તૈયાર થયો છે.


ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ અને 500થી વધુ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને કમલમમાં પ્રવેશ કર્યો હતો. એ વખતે ભાજપના મહિલા નેતા ડૉ. શ્રધ્ધા રાજપુતે ઇશુદાન ગઢવી પર દારૂ પીને મહિલા કાર્યકરોની છેડતીનો આરોપ મૂક્યો હતો.    


ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. આ તપાસમાં ઇશુદાન ગઢવીએ દારૂ પીધો હોવાનું ફલિત થતા ઇન્ફોસીટી પોલીસ મથકે ઇશુદાન ગઢવી સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં ઈસુદાનની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે તેના કારણે ઈસુદાન ફરી જેલભેગા થાય એવી શક્યતા છે.  

આ પહેલાં પણ કમલમ પર હુમલાના કેસમાં જામીન મળ્યા પછી પણ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, મારા પર દારૂ પીવાના આક્ષેપ લાગ્યા છે તે ખોટા છે. હું માતાજીના સોગંદ ખાઈને કહું છું કે, મેં દારૂ પીધો નથી. ઇસુદાન ગઢવી માતાજીમાં માને છે અમે દારૂમાં ન માનીએ.


ઈસુદાને કહેલું કે, મને ભાજપ સામે કોઈ વાંધો નથી પણ ભાજપના પ્રદેશ પ્રમુખ
સી.આર.પાટીલ મરાઠી છે, તેમને ગુજરાતની સંસ્કૃતિ શુ ખબર હોય? ભાજપના અહીંના નેતાઓ પાટીલને નેતા માને છે પણ પાટીલને ગુજરાતની સંસ્કૃતિની ખબર નથી. ભાજપનાં મહિલા કાર્યકરો દ્વારા છેડતી કરવાના આક્ષેપ કરાયા પણ ગુજરાતની સંસ્કૃતિ મા બહેનોની રક્ષામાં માને છે તેથી અમે આવું કદી ના કરીએ.


ઈસુદાને કહેલું કે, ઇસુદાન ગઢવી દારૂની હાલતમાં હોય તો સવાલ ગુજરાતમાં દારૂબંધી ઉપર ઉભા થાય છે. વાસ્તવમાં એ વખતે વિરોધ પ્રદર્શન વખતે અધિકારીઓ મને સમજાવતા હતા અને ભાજપના બાઘડ બિલ્લા તૂટી પડ્યા હતા.