Gujarat Election 2022:  ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને સત્તા પરથી હટાવવા માટે પોતપોતાની વ્યૂહરચના હેઠળ પ્રચાર કરી રહી છે, પરંતુ ગુજરાતની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો પાટીદાર સમુદાય પર વધુ ભાર મૂકી રહ્યા છે. ગુજરાતમાં જ્યાં પણ પાટીદારોનો ઝુકાવ છે, સત્તા તે પક્ષ પાસે જઈ શકે છે. આવો જાણીએ ગુજરાતમાં પાટીદારોનું રાજકીય મહત્વ શું છે.


ગુજરાતની વસ્તીમાં 12 ટકા હિસ્સો


ગુજરાતમાં, પાટીદાર એ જમીનધારકની સાથે ખેતી કરતા લોકો છે. આ લોકો ગુજરાતની વસ્તીના 12 ટકાથી વધુ છે. ઉપરાંત, રાજ્યના રાજકારણમાં પાટીદારોનો નોંધપાત્ર પ્રભાવ છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પાટીદાર પ્રભુત્વ ધરાવતી 40 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 15 બેઠકો જીતીને વધુ સારું પ્રદર્શન કર્યું હતું.


સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની મજબૂત પકડ


સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર કોંગ્રેસનો દબદબો હતો, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના શહેરી અને આસપાસના વિસ્તારોમાં ભાજપનો દેખાવ સારો રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 28 બેઠકો પર કબજો કર્યો હતો, જ્યારે કોંગ્રેસને માત્ર 9 બેઠકો મળી હતી.


2017ની ચૂંટણીમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું, જેનો ફાયદો કોંગ્રેસને થયો હતો. જો કે હાર્દિક પટેલ બાદમાં કોંગ્રેસમાં જોડાયો હતો, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો છે. હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઉમેદવાર છે. હવે પાટીદાર આંદોલન મંદ પડી ગયું છે. રસપ્રદ વાત એ છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 44 પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા હતા. પરંતુ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારો પર જોરદાર દાવ લગાવ્યો છે. 


PM મોદી આજે ચાર સભા ગજવશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજ્યમાં રંગ જામ્યો છે. PM મોદી આજે ગુજરાતમાં 4 જગ્યાએ જનસભાને સંબોધિત કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે રાજકીય પાર્ટી તાબડતોબ રેલી અને જનસભા યોજી રહી છે આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં 4 વિસ્તારમાં સભાને ગજવશે. તેઓ આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સભા યોજશે. પાલનપુર, મોડાસા, દેહગામ, બાવળામાં PM મોદી સભા ગજવશે.  જેમાં સૌથી પહેલા પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે પાલનપુર પહોંચશે. આ બાદ બપોરે 1 વાગ્યે તેઓ મોડાસા જશે, બપોરે 2.30 વાગ્યે તેઓ દહેગામ અને સાંજે 4 વાગ્યે બાવળામાં જનસભાને સંબોધન કરશે.