Odisha Train Accident: ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ આ દુર્ઘટનાને કારણે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત ભાજપે પણ તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રમાં પીએમ મોદીના સાશનના 9 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાત ભાજપે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે હવે ટ્રેન દુર્ઘટનના બાદ આજે મોકૂફ રાખવામાં આવ્યું છે.
આ અંગે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત પી. શાહે જણાવ્યું કે, ઓડિશામાં ગઈકાલે થયેલો ટ્રેન અકસ્માત જેમાં યાત્રીઓના દુઃખદ અવસાન થયેલ છે તે માટે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને જનસંપર્ક અભિયાન હેઠળ આજના પાર્ટીના તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવેલ છે તેની બધા કાર્યકર્તાઓએ નોંધ લેવી.
આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆપ પાટીલે પણ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ઓડિશાના બાલાસોરમાં ગઇકાલે સાંજે ઘટેલી રેલ-દુર્ઘટના અત્યંત દુખદ છે. આ દુર્ઘટનાને કારણે કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થતા એ અંતર્ગત યોજાનારા કાર્યક્રમો અને ભારતીય જનતા પાર્ટીનાં અન્ય તમામ કાર્યક્રમો આજનાં દિવસ માટે સ્થગિત કર્યા છે. ઇશ્વર શોકાકુલ પરિવારોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પણ કરે અને દિવંગતોને શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ
મુંબઈ-ગોવા વંદે ભારત ટ્રેનનું આજે નહીં થાય ઉદઘાટન
Odisha Train Accident: ઓરિસ્સાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો અકસ્માતનો ભોગ બની હતી, જેમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. અકસ્માતને લઈને સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશના અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.