અમદાવાદઃ ગુજરાતમાં એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હવે વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી ઘરે જ સારવાર લઇ રહ્યા છે. ગઈ કાલે ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા હતા. તેમણે જાણકારી આપતાં લખ્યું છે કે, અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.


રાજકોટમાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. ટ્વિટ કરીને કુંવરજીભાઇ બાવળિયાએ જાણકારી આપી. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. મુખ્યમંત્રીની રેલી બાદ એક બાદ એક નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છેય


આ પહેલા અમરેલીમાં સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા હતા. ગોવા ખાતે ફંક્શનમાં ગયા હતા દુધાત. સુરત પરત ફરતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં ધારસભ્ય પ્રતાપ દુધાત કોરોના ગ્રસ્ત થયા. હાલ સુરત ખાતે પોતાના ઘરમાં ધારસભ્ય પ્રતાપ દુધાત થયા હોમ આઇશોલેટ છે. 


આ સિવાય વડોદરામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા કોરોના પોઝિટિવ થયા હતા. ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના પુત્ર ધ્રુમિલ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બંને પિતા પુત્ર હોમ આઇસોલેશનમાં હતા. આ પહેલા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રદેશ મંત્રી શીતલ સોની પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. આ પહેલા ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 


ધારાસભ્યોને કોરોના


કુંવરજી બાવળીયા, ધારાસભ્ય, જસદણ


પરસોત્તમ સાબરિયા, ધારાસભ્ય, ધ્રાંગધ્રા


યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર


પ્રતાપ દૂધાત, ધારાસભ્ય, સાવરકુંડલા


શૈલેષ સોટ્ટા, ધારાસભ્ય, ડભોઈ


પિયુષ પટેલ, ધારાસભ્ય, નવસારી


ઝંખના પટેલ, ધારાસભ્ય, ચોર્યાસી