અમદાવાદઃ ગુજરાતમાં નવેમ્બર મહિનામાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ અત્યાર સુધીમાં કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ભાજપના વધુ એક દિગ્ગજ નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને કોરોના ચેપ લાગ્યો છે. કોવિડના સામાન્ય લક્ષણો જણાતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્નીને પણ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે નરહરિ અમીને જાતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતે ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરોબર છે, પરંતુ ડોક્ટરની સલાહથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છે. મારો અનુરોધ છે કે, છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાને આઇસોલેટ કરીને તપાસ કરાવે.


છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3791 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,389 એક્ટિવ કેસ છે, જ્યારે 1,69, 936 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 73 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,316 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,86,116 પર પહોંચી છે.

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગર 1, સુરત કોર્પોરેશનમાં 1 અને પાટણમાં 1 મળી કુલ 6 લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 190, સુરત કોર્પોરેશનમાં 140, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશનમાં 87, મહેસાણામાં 74,બનાસકાંઠામાં 46, રાજકોટમાં 46, સુરતમાં 46, વડોદરા-36, ગાંધીનગર કોર્પોરેશનમાં 33, પાટણ-32, અમદાવાદ-29, ભરુચ-28, દાહોદ-19 અને આણંદમાં 18 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ગઈ કાલે કુલ 1078 દર્દી સાજા થયા હતા અને 53,967 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 67,34,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.31 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,96,431 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,319 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 112 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.