અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઈન્જેકશનનું (Remdesivir Injection) રાજકારણ શરૂ થયું છે. ભાજપે સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન ફ્રીમાં આપવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે આ મુદ્દે સરકાર અને સી.આર.પાટીલ પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન ભાજપ નેતા પ્રદિપસિંહ વાઘેલાએ (Pradipsinh Vaghela) ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, લોકડાઉન (Lockdown) દરમિયાન કોંગ્રેસે ભરૂચમાં મદરેસાના લોકોને બિહાર મોકલવા સ્વખર્ચે ટ્રેન ટિકિટની વ્યવસ્થા કરી હતી.  આજે કોરોનાના આ સમયમાં તેઓ જરૂરતમંદો માટે ઈન્જેક્શનની વ્યવસ્થા કરશે, તો અમને જરા પણ તકલીફ નહિ થાય. “સેવાની જેવી જેની ભાવના”.



સુરતમાં ભાજપે પ્રથમ દિવસે કેટલા ઈન્જેક્સન આપ્યા


ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પાંચ હજાર રેમડેસીવીર ઈન્જેકશન ફ્રીમાં આપવાની જાહેરાત પછી શનિવારે વહેલી સવારથી ઉધના ભાજપ કાર્યાલયે લોકોની લાંબી લાઈનો લાગી હતી. પ્રથમ દિવસે 900 લોકોને ઇન્જેક્શન મફત આપવામાં આવ્યા હતા.  


રાજ્યમાં છે ઈન્જેકશનની અછત


રાજ્યમાં અનેક જગ્યાએ કોરોનાની સારવારમાં અકસીર ગણાતા ઈન્જેકશનની એક તરફ રાજ્યમાં અછત છે અને દર્દીઓ અહીંથી તહીં ભટકી રહ્યા છે ત્યારે રેમડેસિવિર ઈન્જેકશન માટે ગંભીર દર્દીના કુટુંબીજનોને ફાંફા મારી રહ્યા છે. પાટીલના ઈન્જેક્શન વિતરણ બાદ કોંગ્રેસે તેના પર હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના વિવિધ નેતાઓ દ્વારા ભાજપને આ મુદ્દે ઘેરવામાં આવ્યો હતો.


હાર્દિક પટેલે શું કહ્યું


આ દરમિયાન કોંગ્રેસના ટોચના નેતા હાર્દિક પટેલે પણ રેમડેસિવિર ઈન્જેક્શનને લઈ ટ્વીટ કર્યુ હતું. તેણે લખ્યું, ગાંધી અને સરદારના ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેકશનનો સ્ટોક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં પણ ભાજપ કાર્યાલયમાં છે. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ જનતાની હાલત ખરાબ કરી દીધી છે. આ સમયમાં ભાજપે મહામારીને અવસરમાં બદલી દીધો છે. કંઈ તો બોલો યાર,


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.