અમદાવાદઃ ગુજરાતમાં રેમડેસીવીર ઈન્જેકશનની(Remdesivir Injection)  અછતનો વિવાદ વકર્યો છે અને રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં રેમડેસીવીર ઈન્જેકશન  ફ્રીમાં આપવાની જાહેરાત કરી તેના કારણે મોટો રાજકીય વિવાદ સર્જાયો છે.


બીજી તરફ રાજ્યમાં ઠેર ઠેર રેમડેસિવિર માટે લોકોની લાઈનો લાગી રહી છે પણ પૂરતા પ્રમાણમાં રેમડેસીવીર ઈન્જેકશન નહીં હોવાથી લોકોએ નિરાશ થઈને પાછા ફરવું પડે છે. લોકોને કોરોનાની સારવાર માટે રેમડેસીવીર ઈન્જેકશન અસરકારકર હોવાનું લાગે છે અને તેના કારણે જ કોરોનાના દર્દી બચશે એવું લાગે છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, મૂળભૂત રીતે રેમડેસીવીર ઈન્જેકશન કોરોનાની સારવાર માટે છે જ નહીં.


રેમડેસીવીર ઈન્જેકશન હેપેટાઈટિસ બી રોગની સારવાર માટે બનાવાયું હતું. એ પછી ઈબોલા વાયરસ ડીસિઝ અને મારબર્ગ વાયરસ ઈંફેક્શન માટે પણ તેનો ઉપયોગ શરૂ કરાયો હતો. 2019નાં કોરોનાના કેસ નોંધાવા માંડ્યા પછી તમામ દેશો હાંફળાફાંફળા થઈ ગયા હતા કેમ કે કોરોનાની કોઈ દવા નહોતી.


રેમડેસીવીર ઈન્જેકશન મૂળભૂત રીતે એન્ટિવાયરસ મેડિકેશન છે અને કોરોના પણ વાયરસના કારણે ફેલાતો રોગ હોવાથી 2020માં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરાનાની સારવાર માટે કરવા સંશોધન શરૂ થયાં. આ સંશોધનોનાં પરિણામો હકારાત્મક દેખાતાં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે શરૂ કરાયો હતો. 2020ની સાલથી વિશ્વના લગભગ 50 દેશોમાં રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે થાય છે.


આ ઈન્જેકશનના આડેધડ ઉપયોગથી થઈ શકે છે.....


ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોનાની સારવારમાં શરતી રીતે રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે.