કોંગ્રેસના તમામ 8 ઉમેદવારો આવતી કાલે ગુરુવાર, તા. 15 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરશે. ત્યારે હવે થોડીવારમાં કોંગ્રેસ બાકીના ત્રણેય ઉમેદવારોના નામ નક્કી કરી નાંખશે અને પછી ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. આવતી કાલે તમામ બેઠક પર કોંગ્રેસના સિનિયર નેતાઓ ફોર્મ ભરાવવા હાજર રહેશે. કોંગ્રેસના ઉમેદવારો શક્તિ પ્રદર્શનની સાથે ઉમેદવારી નોંધાવશે.
કોંગ્રેસ દ્વારા લીંબડી, ડાંગ અને કપરાડા બેઠક પર હજુ સુધી નામ ની જાહેરાત કરવામાં આવી નથી. લીંબડી બેઠક પર ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિયનો જંગ જામે તેવી પૂરી શક્યતા છે. કોંગ્રેસમાં હાલ, બે નેતાઓ વચ્ચે ટિકિટને લઈને રેસ ચાલી રહી છે, જેમાં ભગીરથસિંહ રાણા અને ચેતન ખાચર. ચેતન ખાચરનું નામ અત્યાર સુધી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ ભગીરથસિંહ રાણાને ટિકિટ મળે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ચેતન ખાચરે પોતાના સમર્થકોને એકજૂઠ થવાની સૂચના આપી છે. એનું કારણ થોડીવારમાં ખબર પડશે.
કપરાડામાં પણ બે નેતાઓ વચ્ચે રેસ લાગેલી હતી, પરંતુ બાબુભાઈ વરઠાનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. સ્થાનિક નેતાઓ બાબુભાઈને સમર્થન કરી રહ્યા છે. જેનો ફાયદો ડાંગમાં પણ મળી રહ્યો છે. ડાંગ બેઠક પર ચંદરભાઈ ગાવિતનું નામ ફાઇનલ થઈ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, કોંગ્રેસ જાહેરાત કરે પછી ચિત્ર સ્પષ્ટ થશે.
મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ડાંગ, કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ત્યારે કોંગ્રેસ બાકીના ઉમેદવારોની ક્યારે જાહેરાત કરશે, તેના પર સૌની નજર છે.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.