Presidential Election: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુનો વિજય થયો છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટમી દરમિયાન ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં ક્રોસ વોટિંગની પણ ઘટના સામે આવી છે. હવે ક્રોસ વોટિંગને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે. ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યોની કોંગ્રેસ ઓળખ કરશે. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના 7થી વધુ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. પક્ષ સાથે ગદ્દારી કરનાર ધારાસભ્યોને શોધવા કમિટી રચાશે. ટુંક સમયમાં રિપોર્ટ તૈયાર કરી પગલાં ભરવાની ભલામણ સાથે કેન્દ્રીય નેતૃત્વને આ રિપોર્ટ મોકલાશે. નોંધનિય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે. એવામાં પાર્ટી લાઈનથી અલગ જઈને કોંગ્રેસના ધારાસભ્યોએ એનડીએના ઉમેદવારને મત આપતા રાજકારણ ગરમાયું છે.
12 રાજ્યોમાં થયું ક્રોસ વોટિંગ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મોટી જીત મેળવી છે. મતગણતરીનાં ત્રીજા રાઉન્ડમાં જ તેમણે 50 ટકાથી વધુ મત મેળવ્યાં હતાં. દ્રૌપદી મુર્મુને ત્રણેય રાઉન્ડમાં 2161 વોટ મળ્યા છે અને તેનું મૂલ્ય 577777 છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ઉમેદવાર યશવંત સિંહાને 1058 વોટ મળ્યા અને તેની કિંમત 261062 છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુર્મુને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભારતે આદિવાસી સમુદાયની પુત્રીને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટીને ઇતિહાસ લખ્યો છે. તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુનું જીવન, એક ઉદાહરણ સેટ, તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપશે, તે નાગરિકો માટે આશાના કિરણ તરીકે ઉભરી આવી છે. આ ચૂંટણીમાં વિપક્ષી છાવણીને મોટો ઝટકો લાગ્યો છે. મુર્મુના સમર્થનમાં 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે. તે જ સમયે, 113 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ પણ કર્યું.
ક્યાં કેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું?
બિહાર - 6
અરુણાચલ પ્રદેશ - 1
આસામ - 22
છત્તીસગઢ - 6
ગોવા - 4
ગુજરાત - 10
હરિયાણા - 1
હિમાચલ પ્રદેશ - 2
ઝારખંડ-10
મધ્ય પ્રદેશ - 18
મહારાષ્ટ્ર - 16
મેઘાલય - 7
ગુજરાતમાં 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું
મળતી માહિતી મુજબ ગુજરાતમાં 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેમાં એક નામ જાણીતું છે અને એ છે ગુજરાતમાં NCPના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા છે. અન્ય 9 ધારાસભ્યોની વાત કરીએ તો એ કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો હોઈ શકે છે, જેમણે પાર્ટી વિરુદ્ધ જઈને દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ માટે ક્રોસ વોટિંગ કર્યું હશે.