અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં કોરોનાના 4421 કેસ નોંધાયા છે. તેના આગલા અઠવાડિયે કોરોનાના 3920 કેસ નોંધાયા છે. એટલું જ નહીં, છેલ્લા 6 દિવસથી તો કોરોનાના કેસો રોજ 600નને પાર પહોંચી ગયા છે. તેમજ ગત 13મી જૂનથી કોરોનાના કેસો 500થી વધુ આવી રહ્યા છે.


જોકે, ગુજરાતમાં કોરોનાની સામે રિકવરી રેટ પણ સારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 4421 કેસોની સામે 3095 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે તેના આગલા અઠવાડિયા 3920 કેસોની સામે 3679 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાથી કુલ 134 લોકોના મોત થયા હતા. જ્યારે તેના આગલા અઠવાડિયે 162 લોકોના મોત થયા હતા. આમ , મૃત્યુના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 681 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 દર્દીઓનાં મોત થયા છે. આજે 563 દર્દીઓએ સાજા થયા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33,999 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1888 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 24601 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.