અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્યની વિજય રૂપાણી સરકારે 20 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દીધું છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારો પણ સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં 8 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દીધું છે.

તાપી જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત થયા છે. જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ગામમાં આવતા ફેરિયા,બહારના સગા સંબંધી અને ગામના લોકોએ બહાર ન જવાનો નિર્ણય કર્યો છે. ભાજપના સહકારી આગેવાન નરેશ પટેલનું ગામ છે બુટવાડા. સ્વૈચ્છિક લોકડાઉનની જાણ સોશિયલ મીડિયામાં મેસેજ કરી લોકોને કરવામાં આવી છે. 


ગોંડલના ગોમટા ગામમાં અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગામ લોકોએ સ્વૈચ્છિક રીતે આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. ગ્રામ પ્રંચાયત દ્વારા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી લોકડાઉન લગાવી દીધું છે. ગામમાં એક સાથે 4 લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સવારે 3 કલાક અને સાંજે 3 કલાક દુકાનો ખુલી રાખી શકશે. મેડિકલ સિવાય કોઈપણ દુકાનો ખુલી નહિ રખાય.


ગોંડલ તાલુકાનાના નવા ગોમટા ગામમાં મોટી જાગૃતિ જોવા મળી. ગોમટા ગામમાં છેલ્લા દસ દિવસમાં ૨૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગામલોકોએ સ્વેચ્છાએ lockdown જાહેર કરવાનું નક્કી કર્યું. આ ઉપરાંત કલમ ૧૪૪ ની જેમ ગામના લોકો એકી સાથે ચાર લોકો ભેગા ન થવાનું પણ ગામના આગેવાનો નક્કી કર્યું છે આ ઉપરાંત કામ વગર કોઈ જ લોકો એક ઘરની બહાર નીકળવાનું પણ નક્કી કર્યું છે.  ગામમાં અનોખી જાગૃતિ જોવા મળી અને ગામની બજારો પણ બંધ જોવા મળી. આ ઉપરાંત ગામમાં સન્નાટો જોવા મળ્યો. ગામની શેરીઓમાં પણ કોઈ જ લોકો નજરે ન પડ્યા ત્યારે જ્યાં સુધી ગ્રામ પંચાયત દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી સ્વેચ્છાએ ગામલોકો બંધ પાડી રહ્યા છે અને ગામના તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત હોવાથી ગામના લોકો માસ્ક વગર બહાર નથી નીકળતા.


કચ્છમાં મુન્દ્રાના સમાઘોઘામાં 13 દિવસનું આંશિક લોકડાઉન લગાવાયું છે. કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવાયો છે. તા. 06-04થી 18-04 સુધી ગામમાં  સ્વયંભુ લોકડાઉન રહેશે. ગામમાં બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે.  સમાઘોઘા ગ્રામપંચાયત દ્વારા નિણર્ય લેવાયો છે. 


આણંદમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે આણંદ જિલ્લાના વધુ એક ગામમાં લોકડાઉન લગાવી દેવાયું છે. બોદાલ બાદ દાવોલમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. બોરસદના દાવોલમાં લોકડાઉન જાહેર કરાયું છે. બપોરે 12થી સાંજના 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરાયું છે. એક બાદ એક ગામોમાં લોકડાઉન થઈ રહ્યું છે.


અમરેલીના બગસરા તાલુકાનું હામાપુર ગામ બંધ રાખવા નિર્ણય કરાયો છે. 4 દિવસ સુધી કોરોનાને કારણે પરિસ્થિતિ મુજબ સ્વૈચ્છીક બંધ કરવા નિર્ણય કરાયો છે. લોકોને ઘરમાં રહેવા, માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, વેકસીનેશન કરવા પણ નિર્ણય કરાયો છે. જરૂરી આવશ્યક ચીઝ વસ્તુઓ માટે પણ નિયમ નક્કી કરાયો છે. તાવના મોટી સંખ્યામાં કેસ સામે આવતા આરોગ્ય વિભાગ અને મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચી આર.ટી. પીસીઆર ટેસ્ટ કરાયા. કોરોનાના કેસો પણ સામે આવ્યા છે. 


બારડોલીના કડોદમાં  15 તારીખ સુધી બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ગ્રામ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તે જોતા પ્રસાશનના આદેશની રાહ જોયા વગર એક બાદ એક ગામ અને નગરો સ્વંછીક રીતે લોકડાઉન થઈ રહ્યા છે ત્યારે બારડોલી તાલુકાના કડોદ ગામે પણ વેપારી એસોસિએશન પણ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે. જેમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી છે.


સુરત જિલ્લામાં કોરોના બેકાબુ બનતો જાય છે. જિલ્લામાં પણ સંક્રમણ વધતા ગામડાઓ લોક થઈ રહ્યા છે. કામરેજ તાલુકાના દિગસ ગામમાં લાગ્યા બેનર , પત્રિકા ફેરવવામાં આવી છે. 15 દિવસ માટે ગામમાં આવન જાવન માટે પ્રતિબંધ , બિનજરૂરી લોકોએ ગામની બહાર જવા મનાઈ ફરમાવવામાં આવી છે. ગામના ધાર્મિક સ્થળો પણ બંધ કરવા ગામના આગેવાનો દ્વારા આદેશ કરાયો છે. 


આ ઉપરાંત  મહારાષ્ટ્રને અડીને આવેલા ડાંગ જીલ્લામાં કોરોના સંક્રમણનો ભય ફેલાયો છે. સુબિર તાલુકા મથકે ગામમાં એક દિવસનું લોકડાઉન કરાયું છે. સુબિર સરપંચ દ્વારા લોકોને સ્વૈચ્છિક બંધ રાખવા કરાયેલ અપીલનું ચુસ્ત પાલન કરાઈ રહ્યું છે. સુબિર ગામમાં આજે બુધવારી હાટ બજાર હોય માહારાષ્ટ્રથી આવતા વેપારીઓને રોકવા નિર્ણય લેવાયો છે. દૂધ, અનાજ જેવી આવશ્યક વસ્તુઓ દુકાન ખોલીને આપવામાં આવે છે.