અમદાવાદઃ ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોનાના RT-PCR ટેસ્ટ વધારવાની સૂચના આપી છે. ત્યારે એન્ટીજન ટેસ્ટ અને આરટી-પીસીઆર ટેસ્ટને લઈને એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. આર આર પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે RT-PCR અને રેપીડ એન્ટીજન ટેસ્ટ વચ્ચેનો સૌથી મોટો ભેદ સમજાવ્યો છે.
સિનિયર તબીબોના મતે કોરોનાના લક્ષણ દેખાયા બાદ 4 દિવસ પછી એન્ટીજન ટેસ્ટ નેગેટિવ પણ RT-PCR પોઝિટિવ આવી શકે છે. એન્ટીજન ટેસ્ટ માત્ર એકથી ચાર દિવસ સુધી વાયરસનો લોડ પકડી શકે છે. જ્યારે RT-PCR ચૌદ દિવસ સુધી શરીરમાં રહેલા વાયરસને પકડી લે છે.
લક્ષણ ધરાવતા દર્દીઓના લેવાયેલા સેમ્પલ RT-PCRમાં 15થી વધુ વખત ચકાસવામાં આવે છે. પીએમ મોદીના સૂચનને તબીબોએ આવકાર્યું છે. Rt-pcr દ્વારા જ સચોટ પરિણામ મળવાનો તબીબોનો દાવો છે.
દેશના 70 જિલ્લાઓમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. જેમાં ગુજરાતના સાત જિલ્લાનો પણ સમાવેશ થાય છે. રાજ્યના મહેસાણા જિલ્લામાં 1 માર્ચથી 15 માર્ચ દરમિયાન 225 ટકા સંક્રમણ વધ્યું છે. તો સુરતમાં 167 ટકા, ભાવનગરમાં 143, આણંદમાં 114, ખેડામાં 114, અમદાવાદમાં 76 ટકા અને ગાંધીનગરમાં 50 ટકા સંક્રમણ વધ્યું છે. આ તમામ શહેરોમાં વેક્સીનેશન પર ભાર મુકવામાં આવશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગઈકાલે 775 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,71,433 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.54 ટકા પર પહોંચ્યો છે. હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 લોકો વેન્ટિલેટર પર અને 5249 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4430 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 2,81,176 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 315, અમદાવાદ કોર્પોરેશનમાં 264, રાજકોટ કોર્પોરેશનમાં 88, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 38, રાજકોટ-24, ભરુચ-21, મહેસાણા-19, જામનગર કોર્પોરેશન -18, ખેડા-18, પંચમહાલ-18, વડોદરા-17, ભાવનગર કોર્પોરેશન-15, ગાંધીનગર કોર્પોરેશન-14, કચ્છ-14, આણંદ-13, દાહોદ-12, નર્મદા-12, ગાંધીનગર-10, સાબરકાંઠામાં 10, છોટા ઉદેપુર-9, અમરેલી-8, જુનાગઢ કોર્પોરેશ-8, મહીસાગર-8, મોરબી-8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
સુરત કોર્પોરેશનમાં 205, અમદાવાદ કોર્પોરેશનમાં 205, વડોદરા કોર્પોરેશનમાં 75, રાજકોટ કોર્પોરેશનમાં 71, સુરતમાં 29, રાજકોટ-13, ભરુચ-22, મહેસાણા-11, જામનગર કોર્પોરેશન -4, ખેડા-12 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,54,662 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 67,734 લોકોને રસી આપવામાં આવી છે.