તે સિવાય અસારવા સિવિલમાં 1200 બેડ સાથે વધુ 400 બેડ ઉમેરવામાં આવ્યા છે. કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડ વધારવામાં આવ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત ચાંદખેડા, સરદારનગર, ભાટ વિસ્તારમાં વસતા નાગરિકો કોવિડની સારવાર ગાંધીનગર કરાવી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં કોવિડ અંતર્ગત હોસ્પિટલની સંખ્યા કરતા 1300 પથારીઓ વધારવામાં આવી છે. અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 2600 બેડ ખાલી હોવાનો સરકારે દાવો કર્યો હતો. કોવિડના દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે 40 ઇમરજન્સી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદીઓએ AMCના રાત્રી કરફ્યુના નિર્ણયને આવકાર્યો હતો. લો ગાર્ડન વિસ્તારના યુવાનોએ આ નિર્ણય વહેલા લેવાની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો હતો. યુવાનોના કહેવા પ્રમાણે દિવસે પણ થોડો સમય કરફ્યુ હોવો જોઈએ. કેટલાક યુવાનોએ જણાવ્યું હતું કે રાજકીય રેલીમાં પણ આવા નિયમો હોવા જોઈએ.