Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વગતો પ્રમાણે, કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા આવતી કાલે ભાજપમાં જોડાશે. સૂત્રોના મતે સી.આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે. એવા પણ તર્ક થઈ રહ્યા છે કે, તેઓ વિસાવદર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. એવો પણ તર્ક લગાવાઈ રહ્યો છે, રિબડીયાને ખાલી પક્ષમાં જોડવાની ઔપચારિકતા ખાલી બાકી છે. 


હર્ષદ રિબડીયાએ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં શું ઉણપ છે તેનું મંથન ચાલી રહ્યું છે. ટિકિટ નહીં મળવાની આશંકાથી રાજીનામું અપાતું હોય તેવી શક્યતા છે. રાજનીતિમાં આવન-જાવન થતી રહેતી હોય છે. પ્રજાને આપેલા વચનોનો દ્રોહ ન કરી શકાય. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નેતાઓ પક્ષ પલટો કરે છે. આગામી ચૂંટણીમાં ભાજપને હારની આશંકા છે, એટલે જ પક્ષ પલટા કરાવી રહ્યા છે.


કિસાન કોંગ્રેસનું અધ્યક્ષ પદ પાછું લેવાયું ત્યારથી જ રિબડીયા નારાજ હતા. કેટલાક સમયથી રિબડીયા ટેકેદારો સાથે ભાજપના સંપર્કમાં હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. રિબડીયાની સાથે જૂનાગઢ જિલ્લાના સહકારી નેતાઓ પણ ભાજપમાં જોડાવાની શક્યતા છે. જૂનાગઢમાં રિબડીયાની પાટીલ સાથે મુલાકાત થઈ હોવાનો સુત્રોએ દાવો કર્યો છે. સૂત્રોના મતે અન્ય ત્રણથી ચાર ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં છે. ભાજપના આંતરિક સર્વેમાં રિબડીયાની જીતનો પ્રબળ દાવો કરાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રિબડીયા ભાજપમાં જોડાવાના હોવાથી જ અક્ષય પટેલ રાજીનામું આપતા સમયે હાજર થયા હતા. 


કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હર્ષ રિબડિયા ભેસાણ-વિસાવદર  બેઠકના ધારાસભ્ય હતા. રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મીડિયા સાથે વાત કરતા રિબડિયાએ કહ્યું કે, કોંગ્રેસ દિશાહિન બની ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, હું ગદ્દાર નથી. તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી ગુજરાતમાં છે અને યાત્રા દક્ષિણ ભારતમાં ચાલી રહી છે. 


આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે. રાજસ્થાન કોંગ્રેસમાંથી જે લોકોને ગુજરાતમાં ઓબર્ઝવર બનાવ્યા હતા તે રાજસ્થાનને સંભાળવામાં વ્યસ્ત છે. તેમણે ધારાસભ્ય પદની સાથે સાથે કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપી દીધું છે. આગળ તેમણે કહ્યું કે, હું મારા મત વિસ્તારના લોકોને પૂછીને નક્કી કરીશ કે કઈ પાર્ટીમાં જોડાવું. તમને જણાવી દઈએ કે, હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી  રાજીખુશીથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.