અમદાવાદઃ આગામી 14મી જાન્યુઆરીએ આવી રહેલી ઉત્તરાયણને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે. આ ઉત્તરાયણમાં ધાબા પર લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ રાખવાનું એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે, ધાબા પર માત્ર ઘરના સભ્યો જઈ શકશે. એક બ્લોકના મર્યાદિત સભ્યો ધાબે જાય તે માટે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને પગલાં લેવા માટે તાકીદ કરાશે.


તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે, રાયપુર ટંકશાળ અને નરોડા જેવા પતંગ બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુની કડકાઈથી ચૂસતા અમલવારી કરાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલનના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. ગર્ભવતી મહિલાઓ ૬૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કોમોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે.

ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ લગાવાશે. કોઈ પણ સોસાયટીના ધાબે બહારના વ્યક્તિઓને પ્રવેશ પર રોક લગાવવામાં આવશે. કોર્ટે કહ્યું, અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી, પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતું કે, એક વર્ષમાં ૬૪૦ કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે. એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે ,તેમને રોજગારી છીનવાઈ તો યોગ્ય નહીં. દિવાળી વખતે એક વખત દાઝ્યા છીએ. ફરીથી ચૂક ના થાય તે જોવાની અમારી જવાબદારી છે. યોગ્ય કાર્યવાહી કરીશું.