અમદાવાદ: રાજ્યમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત જેવા શહેરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાથી બચવા અનેક શહેરો, ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) નાંખ્યું છે. ત્યારે ધંધુકાના ધારાસભ્યએ રાજ્યપાલને પત્ર લખીને સરકાર સ્વૈચ્છીક લોકડાઉનની ફરજ પડતી હોવાનો આક્ષેપ કર્યો છે.

ધંધુકાના MLA રાજેશ ગોહિલે રાજ્યપાલને લખેલા પત્રમાં સરકાર સામે અનેક આક્ષેપ કર્યા છે. તેમના પત્ર મુજબ સરકારે લોકોને વિનામૂલ્યે રાશન ન આપવું પડે માટે લોકડાઉન કરતી નથી. નાના અને મધ્યમ કદના વેપારીઓને પેકેજ આપવું ન પડે માટે સરકાર લોકડાઉન કરતી નથી, લોકડાઉન આપે તો ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલી ન શકે, જેમણે ધિરાણ લીધું હોય તેમને વ્યાજ માફી આપવી પડે માટે લોકડાઉન નથી કરતી જેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ તમામ જવાબદારીમાંથી છટકવા સરકાર સ્વૈચ્છિક લોકડાઉનનો કન્સેપ્ટ લાવી  હોવાનું તેમણે પત્રમાં લખ્યું છે.




 


પાલનપુરમાં 5 દિવસનો જનતા કર્ફ્યૂ


પાલનપુર શહેરમાં કોરોનાની ચેઈન તોડવા અનોખું પગલું ભરવામાં આવ્યું છે. પાલનપુર શહેરમાં 23 થી 27 એપ્રિલ સુધી જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈ શહેરમાં ઘણી જગ્યાએ જનતા કર્ફ્યૂના બોર્ડ લગાવાયા છે. શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા જનતા કર્ફ્યુના બોર્ડ લગાવ્યા છે. જનતાને સહયોગ આપવા વેપારી એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે. પાલનપુર જિલ્લા કોરોનાની ભયાવહ વચ્ચે બુધવારે વધુ 227 કેસ નોંધાયા હતા. જ્યાં પાલનપુરમાં 10 મિનિટમાં પિતા પુત્રના મોતથી હાહાકાર મચી ગયો હતો.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.